Jamnagar Vyajkhor : જામનગરમાં નીલકંઠ નગરમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા વિકીભાઈ ગોપાલભાઈ નાડાર નામના 33 વર્ષના પરપ્રાંતિય યુવાને પોતાની પાસેથી પારીનું દૈનિક રાક્ષસી વ્યાજ વસૂલી લીધા બાદ ચેક રિટર્ન કરાવવાની ધમકી આપવા અંગે જામનગરમાં સિધ્ધનાથ એન્ટરપ્રાઇઝના નામની ફાઇનાન્સની પેઢીના ભાગીદાર સુનિલભાઈ નંદા અને ધર્મેશભાઈ નંદા ઉપરાંત પંચેશ્વર ટાવર પાસે રહેતા હર્ષ અસવાર ઉપરાંત કરણસિંહ જાડેજા અને અજય સિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનને સૌપ્રથમ પોતાના કામ માટે પૈસાની જરૂરિયાત પડતાં ફાઇનાન્સર સુનિલભાઈ નંદા પાસે બે લાખ રૂપિયા લીધા હતા. જેનું પ્રતિદિન 2,000 રૂપિયા જેવું પારીનું રાક્ષસી વ્યાજ ભરતો હતો. ઉપરાંત તેના જ ભાઈ ધર્મેશભાઈ નંદા પાસેથી પણ નાણા મેંળવીને તેનું પણ દૈનિક વ્યાજ ચૂકવ્યું હતું.
ત્યારબાદ પંચેશ્વર ટાવર પાસે રહેતા હર્ષભાઈ અસવાર અને કરણસિંહ જાડેજા તથા અજય સિંહ જાડેજા નામની અલગ અલગ વ્યક્તિ પાસેથી પણ વ્યાજે નાણાં લીધા હતા. જેનું જંગી વ્યાજ ચૂકવી દીધા છતાં તમામ વ્યાજખોરો ફરીથી ધાક ધમકી આપતા હોવાથી અને કોરા ચેક લખાવી લીધા હોવાથી તે ચેક રીટર્ન કરાવી લેવાની ધમકી આપતા હોવાથી આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને આ ફરિયાદના બનાવ અંગે પીએસઆઇ એમ.કે.બ્લોચ વધુ તપાસ ચલાવી રહ્યા છે.