Retired Karnataka DGP Om Prakash Found Dead in Bengaluru : કર્ણાટકના પૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની રવિવારે હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર તેમના પત્ની પર જ હત્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઉચ્ચ પદો પર રહેલા રિટાયર્ડ અધિકારીની હત્યાથી કર્ણાટકના પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
નિવૃત્તિ બાદ 68 વર્ષના ઓમ પ્રકાશ બેંગલુરુમાં જ સ્થાયી થયા હતા. ઘણા સમયથી તેમના પત્ની સાથે તેમને વિવાદ ચાલી રહ્યો હતો. કર્ણાટકના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર પત્નીએ જ પોલીસને ફોન કરીને જાણ કરી હતી. સમગ્ર મામલે HSR લેઆઉટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે તથા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે પત્ની અને પુત્રીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
ચોંકાવનારી વાત છે કે પત્નીએ જ પોલીસને ફોન કર્યો હતો પરંતુ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે દરવાજો ખોળવાનો ઈનકાર કરી દીધો હતો. પોલીસ ઘરમાં ઘૂસી ત્યારે પત્ની અને પુત્રી લીવિંગ રૂમમાં હતા ત્યારે ઓમપ્રકાશનો મૃતદેહ અંદર પડ્યો હતો. લોહીથી લથપથ મૃતદેહ પર ઈજાના ગંભીર નિશાન હતા.
પ્રાથમિક તપાસમાં પારિવારિક કલેશના કારણે હત્યા કરાઇ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઓમ પ્રકાશ અને તેમની પત્ની વચ્ચે થતાં ઝઘડાની જાણકારી આસપાસના પડોશીઓને પણ હતી. નોંધનીય છે કે 1981ની બેચના IPS અધિકારી ઓમ પ્રકાશ મૂળ બિહારના ચંપારણના હતા. તેમણે MScની ડિગ્રી હાંસલ કરી તથા વર્ષ 2015માં તેઓ કર્ણાટકના DGP બન્યા હતા.