Vadodara Navratri 2025 : આગામની સોમવારથી શરૂ થઈ રહેલા ચૈત્ર નવરાત્રીના પગલે ગરબા આયોજકો સાથે વિવિધ સરકારી વિભાગો પણ કમર કસી રહ્યું છે. કલેકટર અને પોલીસ કમિશનર બાદ હવે આજે મ્યુનિસિપલ કમિશનરે મોટા ગરબા આયોજકો સાથે બેઠક કરી છે. ગરબાના સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે એના પર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ભાર મૂક્યો છે. આ સાથે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનુરૂપ સ્વચ્છતા પખવાડિયુ ચાલી રહ્યું હોવાથી પ્રત્યેક ગરબા ગ્રાઉન્ડ ખાતે અને તેની આજુબાજુ સ્વચ્છતા જળવાઈ રહે અને ગ્રીન નવરાત્રી, ક્લીન નવરાત્રી અંતર્ગત તહેવારની ઉજવણીમાં આયોજકો જોડાય તેની મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી હતી.
મ્યુનિસિપલ કમિશનરે ગરબા આયોજકોને જણાવ્યું હતું કે, ગરબા ગ્રાઉન્ડ પર મહિલાઓની સેફટીને પ્રાધાન્ય આપવું. ટાઈમ મેનેજમેન્ટ સાથે સમય મર્યાદામાં રહી ગરબા ગવડાવવાના રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે સીસીટીવી તથા સિક્યુરિટી તૈનાત કરવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રોત્સાહન આપવું, મંડળ અથવા મહિલાઓ દ્વારા થતા ઉત્પાદનને ધ્યાને લેવા. જેથી વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપી શકાય. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડ ખાતે ‘એક પેડ મા કે નામ’ સ્ટોલ ઉભા કરી પ્લાન્ટેશન કરવા લઈ જવા. ખાસ કરીને મહિલા પ્લેયરને પાસમાં વધારાનું કન્સેસન આપવાનું રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલ ફૂડ કોર્ટમાં ફૂડ સેફ્ટી ઓફિસર ડીપ્લોય કરવાના રહેશે. ત્યાં ખાદ્ય પદાર્થની ગુણવત્તા જાળવવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે મેડિકલ ટીમો હાજર રાખવા માટે આયોજકોએ હોસ્પિટલ સાથે ટાઈઅપ કરવાનું રહેશે. ગરબા ગ્રાઉન્ડની આજુબાજુ કોઈ જગ્યાએ બ્લેક સ્પોટ ન રહી જાય એ માટે યોગ્ય લાઇટિંગ કરવાનું રહેશે. ગરબા ગ્રાઉન્ડની નજીકના સ્ટ્રીટ લાઈટ તાકીદે ચાલુ કરાવવાની રહેશે. ફાયર, પોલીસ, મનોરંજન સહિતના વિભાગની જરૂરી પરવાનગી લેવાની રહેશે. સ્વચ્છતા માટે વેસ્ટ કામગીરી કરનાર ગરબા આયોજકોને પુરસ્કૃત કરવામાં આવશે. પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા રાખવાની રહેશે. ગરબા ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ અને જોવા આવનાર દર્શકો પાસે સ્વચ્છતાના શપથ લેવડાવવાના રહેશે. જાહેર ગરબાના ગ્રાઉન્ડ પાસેથી દબાણો દૂર કરાવવામાં આવશે.