– બિહારમાં જય બાપુ, જય ભીમ, જય બંધારણ રેલીને ખડગેનું સંબોધન
– બિહારમાં નીતિશ અને ભાજપનું ગઠબંધન તકવાદી, નીતિશ માત્ર ખુરશી માટે પક્ષપલટા કરી રહ્યા છે : કોંગ્રેસ
– ભાજપ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરે છે, કાવતરાં હેઠળ સોનિયા-રાહુલનું નામ નેશનલ હેરાલ્ડ કેસમાં સંડોવ્યું : ખડગે
બક્સર: નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ આરોપનામું દાખલ કરી દીધું છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પણ આરોપી તરીકે નામ છે ત્યારે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે આ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું તેમ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું. તેમણે પીએમ મોદી, શાહ અને આરએસએસ પર ડરાવવાના રાજકારણનો આક્ષેપ કર્યો હતો. આ સાથે બિહારના બક્સરમાં ખડગેએ મુખ્યમંત્રી નીતિશ કુમારને તકવાદી ગણાવી તેમની ટીકા કરી હતી.
નેશનલ હેરાલ્ડ કેસ ચર્ચામાં છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં કોંગ્રેસના એઆઈસીસી મહાસચિવ, રાજ્ય પ્રભારીઓ અને ફ્રન્ટલ સંગઠનોના પ્રમુખોની બેઠક થઈ હતી. આ બેઠકમાં પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ સહિત અનેક દિગ્ગજ નેતાો સામેલ રહ્યા હતા. આ બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) અને નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં લોકોને સત્ય જણાવવું પડશે અને ભાજપના જુઠ્ઠાણાંને ખુલ્લુ પાડવું પડશે.
કોંગ્રેસે કહ્યું કે, કાવતરાં હેઠળ નેશનલ હેરાલ્ડ કેસના આરોપનામામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નામ નાંખી દેવાયું છે, પરંતુ કોંગ્રેસ આવી કોઈ બાબતોથી ડરશે નહીં. આ બધું બદલાની ભાવના હેઠળ કરવામાં આવી રહ્યું છે. ભાજપ ખોટું બોલીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. એવામાં જનતા સુધી સત્ય હકીકત પહોંચાડવાની જરૂર છે. બીજીબાજુ બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજ્યમાં અત્યારથી જ ચૂંટણીનો માહોલ જામ્યો છે. બિહારના બક્સલના દલસાગર સ્ટેડિયમમાં ‘જય બાપુ, જય ભીમ, જય બંધારણ’ રેલીને સંબોધન કરતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, બિહારમાં નીતિશ કુમાર અને ભાજપનું ગઠબંધન તકવાદી છે.
નીતિશ માત્ર ખુરશી માટે વારંવાર પક્ષપલટા કરી રહ્યા છે. નીતિશે એવા લોકો સાથે ગઠબંધન કર્યું છે, જેમણે મહાત્મા ગાંધીની હત્યા કરી હતી.
તેમણે કહ્યું કે, બિહારના લોકોએ સીએમ નીતિશને પૂછવું જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ૨૦૧૫માં પ્રદેશને ૧.૨૫ લાખ કરોડનું પેકેજ આપવાનું વચન અપાયું હતું, તેનું શું થયું? પીએમ મોદી જુઠ્ઠાણાંની ફેક્ટરી ચલાવી રહ્યા છે. બિહારમાં એનડીએ સરકાર આ વખતે જવી જોઈએ. તેમણે લોકોને આ વખતે વિધાનસબા ચૂંટણીમાં મહાગઠબંધનને મત આપવા વિનંતી કરી હતી.