આરોપી ઝામ્બિયાના એરપોર્ટ પરથી દુબઇ જવાની તૈયારી કરી રહ્યો હતો
ઝામ્બિયાના લુસાકા સ્થિત કેન્નેથ કોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૨૭ વર્ષીય યુવકની સૂટકેસમાંથી ડોલર અને સોનું મળ્યા
નવી દિલ્હી: આફ્રિક્રાના દેશ ઝામ્બિયામાં એક ભારતીય દાણચોરની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ૨૩.૨૦ લાખ ડોલર (૧૯ કરોડ રૂપિયા) રોકડા અને ૪ કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
આરોપી આ તમામ કીંમતી વસ્તુઓ પોતાની સૂટકેસમાં ભરી દુબઇ જવાની તૈયારી કરી રહ્યો હતો. ઝામ્બિયા એરપોર્ટ પર પોલીસે તેને રોક્યો હતો. આ ઘટના ઝામ્બિયાના લુસાકા સ્થિત કેન્નેથ કોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની છે.
૨૭ વર્ષનો આ યુવક દુબઇની ફલાઇટ પકડવા માટે એેરપોર્ટ પહોંચ્યો હતો. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન પોલીસને તેના પર શંકા ગઇ હતી. ઝામ્બિયાના ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશન (ડીઇસી)એ તપાસ દરમિયાન બેગ ચેક કરી તો સૌ ચોંકી ગયા હતાં.
આરોપીએ પોતાની બેગમાં મોટી સંખ્યામાં ચલણી નોટો અને સોનાની ઇંટ છુપાવીને રાખી હતી. તપાસ દરમિયાન પોલીસને ૨૩.૨૦ લાખ ડોલર (૧૯ કરોડ રૂપિયા) અને ૫ લાખ ડોલર (૪ કરોડ રૂપિયા)ના સોનાની સાત ઇંટો મળી આવી હતી.
ડીઇસીના જણાવ્યા અનુસાર આ અપરાધમાં અનેક આંતરરાષ્ટ્રીય સંગઠન પણ સામેલ હોઇ શકે છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. તમામ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઝામ્બિયામાં સોનું અને કોપર મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આમ છતાં દેશની ૬૦ ટકા વસ્તી ગરીબ છે. આ જ કારણ છે કે અહીં સોનાની દાણચોરી મોટા પાયે થાય છે.
ઝામ્બિયા આવો કેસ સામે આવ્યાની આ પ્રથમ ઘટના નથી. ૨૦૨૩માં ઇજિપ્તના પાંચ નાગરિકોને ૧૨૭ કિલો સોનું અને કરોડો રૂપિયાની સાથે પકડવામાં આવ્યા હતાં.