JD Vance in Jaipur: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેમ્સ ડેવિડ (જેડી) વેન્સ તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો સાથે ભારતની ચાર દિવસની મુલાકાતે છે. તેઓ ગઈકાલે રાત્રે જયપુર પહોંચ્યા અને રામબાગ પેલેસમાં રોકાયા. આજે સવારે તે પોતાના પરિવાર સાથે આમેર કિલ્લો નિહાળ્યો હતો. વેન્સ અને તેના પરિવારની સુરક્ષા માટે 2400 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. અમેરિકી ઉપરાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર જયપુર શહેરને શણગારવામાં આવ્યું છે.
જે ડી વેન્સ આજે જયપુરની મુલાકાતે
તેમને હાથી સ્ટેન્ડથી ખાસ ઇલેક્ટ્રિક ગાડીમાં આમેર કિલ્લાની અંદર લઈ જવામાં આવ્યા. તેમણે અને તેમના પરિવારે ઇ-કાર્ટમાંથી જ કિલ્લાના બાહ્ય ભાગો, માવઠ સરોવર અને કેસર ક્યારી બગીચાની મુલાકાત લીધી. આ પછી, યુએસ ઉપરાષ્ટ્રપતિ ઇ-કાર્ટ દ્વારા જલેબી ચોક ગયા, જ્યાં બે હાથીઓ પુષ્પા અને ચંદાએ તેમનું અને તેમના પરિવારનું સ્વાગત કર્યું.
જે ડી વેન્સે રાજસ્થાની ભોજનની મજા માણી
જે ડી વેન્સે તેમના પરિવાર સાથે લગભગ એક કલાક માટે આમેર કિલ્લાની મુલાકાત લીધી અને એક ગાઈડની મદદથી તેના ઇતિહાસ વિશે જાણ્યું. તેમણે કિલ્લા પર તેમની પત્ની ઉષા અને બાળકો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા. કિલ્લામાં સ્થિત 1135 એડી રેસ્ટોરન્ટમાં તેમના માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ચાંદીના સિંહાસન પર વેન્સ અને પરિવારને રાજસ્થાની ભોજન પીરસવામાં આવ્યું હતું.
RIC ખાતે અમેરિકન બિઝનેસ સમિટમાં હાજરી આપશે
જે ડી વેન્સ આજે જ પન્ના-મીના કુંડ, અનોખી મ્યુઝિયમ જલ મહેલ, હવા મહેલ અને પારકોટાની પણ મુલાકાત લેશે. તેમજ રામબાગ પેલેસમાં લંચ કરશે. અહીં થોડો સમય આરામ કર્યા પછી, જે ડી વેન્સ રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર (RIC) પહોંચશે અને અહીં અમેરિકન બિઝનેસ સમિટમાં હાજરી આપશે. તેઓ ભારત-અમેરિકા સંબંધો પર પણ ભાષણ આપશે. તેમજ સાંજે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને અન્ય મંત્રીઓને મળશે.
આ પણ વાંચો: વિજ્ઞાનીઓએ ટેકનોલોજીની મદદથી ચમત્કાર સર્જ્યો, આંખની રેટિનાને હેક કરીને નવો રંગ શોધાયો
કાલે તાજમહેલની મુલાકાત લેશે
વેન્સ અને પરિવાર માટે રાત્રિભોજનની વ્યવસ્થા હોટેલ રામબાગ પેલેસમાં જ કરવામાં આવશે. તેઓ પરિવાર સાથે આજની રાત જયપુરમાં જ વિતાવશે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તેમના પરિવાર સાથે બુધવારે સવારે ખાસ વિમાનમાં જયપુરથી આગ્રા જવા રવાના થશે. ત્યાં તાજમહેલની મુલાકાત લીધા પછી, તેઓ બપોર સુધીમાં તે જ વિમાનમાં જયપુર પાછા ફરશે અને સાંજે સિટી પેલેસ જશે. તેમજ વેન્સ અને તેમનો પરિવાર ગુરુવારે સવારે અમેરિકા જવા રવાના થશે.