પરીક્ષાના માહોલ વચ્ચે યુનિ. મેદાનમાં યોજાયો
100 ડેસીબલથી વધુ અવાજથી આસપાસના લોકો, વિદ્યાર્થીઓ હેરાન છતાં કોન્સર્ટ મોડી રાત સુધી ચાલ્યો
આણંદ: વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના માહોલ વચ્ચે મંગળવારની રાતે લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. કેન્દ્રીય વિદ્યાલય સામે યુનિવર્સિટીના મેદાનમાં ૧૦૦ ડેસીબલથી વધુ અવાજથી મોડી રાત સુધી કોન્સર્ટ શરૂ રહ્યો હતો. જેને કારણે આસપાસના લોકો અને હૃદયના દર્દી, વિદ્યાર્થીએ કોન્સર્ટનો અવાજ ઓછો રાખવા પોલીસને રજૂઆત કરી હતી, લોકોની રજૂઆતની અવગણના કરી પોલીસ કે વહીવટી તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી ન હતી. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લાઈવ કોન્સર્ટમાં પોલીસ અધિકારીઓએ પણ મુકપ્રેક્ષક બની મજા માણી હતી.
વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગઈકાલ રાત્રિના સુમારે યુનિવર્સિટી સ્ટાફ કોલોની નજીક આવેલા મેદાન ખાતે રાજદીપ ચેટરજીના લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી મોટા સ્પીકરો મૂકી ૧૦૦ ડેસીબલથી વધુ અવાજ સાથે કાર્યક્રમ યોજાયો હતો. જેને લઇ આસપાસમાં આવેલા સોસાયટીમાં રહેતા સ્થાનિકો તથા નજીકની હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો. ભારે ઘોંઘાટ વચ્ચે નજીકની સોસાયટીમાં રહેતા અને હાર્ટ પેશન્ટ ઘટના સ્થળે દોડી ગયા હતા અને યુનીના કુલપતિને સાઉન્ડ ઓછો કરવા માટે વિનંતી કરી હતી પરંતુ, યુનિ.ના સત્તાધીશોએ તેમની વિનંતી ધ્યાને લીધી નહોતી અને તમે કાયમ ફરિયાદ કરો છો તેમ કહી લાઈવ શો મોટા અવાજે ચાલુ રાખવામાં આવ્યો હતો. જેથી તેઓ વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને પણ આ અંગે જાણ કરી હતી પરંતુ, પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરાયો છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જિલ્લા કલેકટર દ્વારા આણંદ સકટ હાઉસ ખાતે ડીજેના સંચાલકો તથા પાર્ટી પ્લોટના માલિકો સાથે મીટિંગમાં ડીજેના સંચાલકોને ૭૦ ડેસિબલથી વધુ અવાજે ડીજે નહીં વગાડવા અને રંગબેરંગી લેઝર લાઇટોનો ઉપયોગ નહીં કરવા સૂચના આપી હતી. ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી યોજીત કોન્સર્ટમાં પોલીસ અધિકારીઓની હાજરીમાં જ ૧૦૦ ડેસીબલથી વધુ અવાજ સાથે લેઝર લાઇટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. છતાં પોલીસ મુકપ્રેક્ષક બની લાઈવ કોન્સર્ટની મજા માણી રહી હોવાની ચર્ચાઓ જાગી છે.
– અવાજની ક્ષમતાની માપણી કરી હતી, સમય અંગે વેરિફિકેશન કરાવીશું : વિદ્યાનગર પીઆઈ
વિદ્યાનગર પીઆઈ ડી.આર. ગોહિલે જણાવ્યું હતું કે, રજૂઆત મળતા ૯ઃ૩૦ કલાકની આસપાસ અમે અવાજની ક્ષમતાની માપણી કરી હતી. જેમાં નિયમ મુજબ અવાજ હતો. કાર્યક્રમ કેટલા વાગ્યા સુધી ચાલ્યો તેના પ્રત્યુત્તરમાં ૧૦થી ૧૦ઃ૧૫ કલાકે કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો હતો તેમ જણાવ્યું હતું. ત્યારે મોડી રાત સુધી કાર્યક્રમ ચાલ્યો હોવાનું જણાવતા કેટલા વાગ્યા સુધી કાર્યક્રમ ચાલ્યો તે અંગે વેરિફિકેશન કરાવી લઈશું તેવો જવાબ આપી ફેરવી તોળ્યું હતું.