મુંબઈ : અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને કારણે ભારતની નિકાસમાં ઘટાડો થશે અને ઘરેલુ માગ ધીમી પડશે જેને પરિણામે દેશના એકંદર વિકાસ પર અસર પડશે એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના બુલેટિનમાં જણાવાયું છે. અમેરિકા દ્વારા માલસામાનની આયાત પર ટેરિફમાં કરાયેલા વધારા સામે રિઝર્વ બેન્કે ચિંતા વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે, આ ટેરિફને કારણે ભારતની બહારી માગ પર પણ અસર થશે.
અન્ય દેશોની સરખામણીએ ભારતને ટેરિફમાં કેટલાક લાભ જોવાઈ રહ્યા છે છતાં ટેરિફને કારણે આવનારી વૈશ્વિક મંદીથી ઘરઆંગણે વિકાસ તથા નિકાસ કામગીરી પર અસર પડવાની સંભાવના રહેલી હોવાનું બુલેટિનમાં નોંધવામાં આવ્યું છે.
જો કે હાલમાં અનેક મુદ્દે અનિશ્ચિતતા પ્રવર્તતી હોવાથી ટેરિફની પ્રતિકૂળ અસરની માત્રાનો અંદાજ મેળવવાનું મુશકેલ છે.
અમેરિકા દ્વારા ટેરિફની જાહેરાત બાદ, કોમોડિટીના વૈશ્વિક ભાવ અસ્થિર બની ગયા છે. ઊર્જા તથા મેટલ્સના ભાવ ઘટી ગયા છે અને સોનાના ભાવમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે.
આને પરિણામે ભારતમાં ફુગાવાનું આઉટલુક અનિશ્ચિત બની ગયું છે અન્યથા ખાધ્ય પદાર્થોની કિંમતમાં તાજેતરના દિવસોમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે.
નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનામાં નબળી કામગીરી બાદ વિકાસમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ અપેક્ષા પ્રમાણે વિકાસ જોવા મળતો નથી એમ પણ બુલેટિનમાં વધુમાં નોંધવામાં આવ્યું છે.
આવા અનિશ્ચિત વાતાવરણ વચ્ચે નીતિવિષયકોની કામગીરી પણ મુશકેલ બની ગઈ છે.
જો કે પૂરવઠા સાંકળની નવરચના, વૈવિધ્યસભર એફડીઆઈ સ્રોતો તથા સ્થિતિસ્થાપકતા શોધતા વૈશ્વિક રોકાણકારો સાથે સંપર્કને કારણે ભારતને લાભ થવાની શકયતા છે.
સેવા ક્ષેત્રની નિકાસમાં મજબૂતાઈ તથા રેમિટેન્સના ઈન્ફલો દેશના કરન્ટ એકાઉન્ટ માટે જરૂરી બળ પૂરુ પાડી રહ્યા છે.
સ્ટીલનો પૂરવઠો વધવાની ગણતરી
અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફને કારણે સ્ટીલની નિકાસમાં ઘટાડો થવાની શકયતા નકારાતી નથી જ્યારે આયાત વધી જવાની ધારણાં રાખવામાં આવે છે. અન્ય દેશો ખાતેથી ભારતમાં સ્ટીલનો પૂરવઠો વધી જવાની ગણતરી રાખવામાં આવી રહી છે.