અમદાવાદ : ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં ફરી વેગ પકડયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં, દેશની કુલ વાહન નિકાસ ૧૯% મજબૂત ઉછળીને ૫૩ લાખ એકમોને પાર કરી ગઈ. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા નાણાકીય વર્ષમાં કુલ ૫૩.૬૩ લાખ (૫૩,૬૩,૦૮૯) વાહનોની નિકાસ કરવામાં આવી હતી, જે ૨૦૨૩-૨૪માં ૪૫ લાખ (૪૫,૦૦,૪૯૪) એકમોની સરખામણીમાં નોંધપાત્ર વધારો છે.
સિયામે કહ્યું હતું કે ભારતમાં ઉત્પાદિત વાહનોના વૈશ્વિક મોડલની ગુણવત્તા અને પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમની માંગ ઝડપથી વધી છે. એટલું જ નહીં, ઘણી ભારતીય કંપનીઓએ હવે વિકસિત દેશોમાં પણ વાહનોની નિકાસ કરવાનું શરૂ કરી દીધું છે.
પેસેન્જર વ્હિકલની નિકાસ ૨૦૨૩-૨૪માં ૬,૭૨,૧૦૫ યુનિટથી ૨૦૨૪-૨૫માં ૧૫% વધીને ૭,૭૦,૩૬૪ યુનિટ રહી હતી. યુટિલિટી વ્હિકલનો હિસ્સો પણ નોંધપાત્ર રીતે વધ્યો હતો અને ૩,૬૨,૧૬૦ એકમોની નિકાસ કરવામાં આવી હતી, જે ગયા વર્ષના ૨,૩૪,૭૨૦ એકમો કરતાં ૫૪% વધુ છે.
ટુ-વ્હીલરની નિકાસમાં ૨૧%નો વધારો થયો છે. ૪૧,૯૮,૪૦૩ એકમોની નિકાસ કરવામાં આવી હતી, જ્યારે ગયા વર્ષે ૩૪,૫૮,૪૧૬ એકમોની નિકાસ કરવામાં આવી હતી. આફ્રિકામાં આર્થિક સ્થિરતા અને લેટિન અમેરિકામાં મજબૂત માંગ આ વૃદ્ધિને ટેકો આપે છે. નવા મોડલ અને નવા બજારોની શોધથી પણ નિકાસમાં વધારો થયો છે.
કોમર્શિયલ વાહનોની નિકાસમાં ૨૩%ની મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. ગત નાણાકીય વર્ષમાં ૮૦,૯૮૬ યુનિટની વિદેશમાં નિકાસ કરવામાં આવી હતી, જ્યારે અગાઉના વર્ષમાં આ આંકડો ૬૫,૮૧૮ યુનિટ હતો.
નિકાસના મોરચે, તમામ ક્ષેત્રો, ખાસ કરીને પેસેન્જર અને ટુ-વ્હીલર્સમાં સારું પુનરુત્થાન જોવા મળ્યું છે.