Pahalgam Terrorist Attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલાની પક્ષ-વિપક્ષના તમામ નેતાઓએ ટીકા કરી છે. સમગ્ર દેશમાં શોકની લાગણી અને આક્રોશ છે. ત્યારે, આ હુમલાને લઈને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાનું વિવાદિત નિવેદન આવ્યું હતું. જોકે તેમના આ નિવેદન પર ભાજપે પલટવાર કરતાં માફીની માગ કરી છે.
ANI સાથે વાત કરતાં રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે, ‘આ હુમલામાં જીવ ગુમાવનારા 28 લોકો પ્રત્યે હું પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. સાથે જ વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, દેશમાં મુસ્લિમો વિરુદ્ધ જે માહોલ બન્યો છે, તેના કારણે આ હુમલો થયો.’
‘જો હિન્દુ-મુસ્લિમ નહીં અટકાવવામાં આવે તો આતંકી હુમલા થતા રહેશે’
રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે, ‘મને એવું લાગે છે કે મુસ્લિમોને મસ્જિદમાં નમાઝ પઢવાથી રોકી દેવામાં આવે છે અથવા મસ્જિદોનો સર્વે થઈ રહ્યો છે કે મૂર્તિ મળી જાય, જે સંભલમાં થઈ રહ્યું છે. જો તમે બાબર કે ઔરંગઝેબની વાત કરો છો તો અલ્પસંખ્યકોને દુઃખ લાગે છે. જેને લઈને રાજનીતિ થાય છે અને રોક લગાવવામાં આવે છે. ધર્મ અને રાજનીતિ અલગ હોવા જોઈએ. જો તેને નહીં રોકવામાં આવે તો આજે જે આતંકવાદી હુમલો થયો છે, તે થતાં રહેશે. કારણ કે પુરાવા છે કે તેમણે આઇડી જોઈને ગોળી મારી. તેમને મારવા કે છોડવા છે તે ક્યાંથી થાય છે. તેમના મનમાં છે કે મુસ્લિમોને દબાવવામાં આવી રહ્યા છે.
મને ખરાબ લાગી રહ્યું છે અને મારી સંવેદનાઓ આ આતંકવાદી કૃત્યમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે છે. આપણા દેશમાં આપણે જોઈએ છીએ કે આ સરકાર હિન્દુત્વની વાત કરે છે અને અલ્પસંખ્યકો પોતાને અસહજ અને પરેશાન અનુભવે છે. એક સમુદાયને રોડ પર પોતાના તહેવાર, પ્રાર્થના અને પ્રચાર કરવાની મંજૂરી છે જ્યારે બીજાને રોકવામાં આવે છે. આ તો દુનિયા જુએ છે. તે પણ ખુશ નથી. કેટલાક દિવસો બાદ અમરનાથ યાત્રા થવાની છે, તેમાં પણ મુશ્કેલી આવશે.
જો તમે આ આતંકવાદી કૃત્યનું વિશ્લેષણ કરો છો, તો જુઓ તેઓ (આતંકવાદી) લોકોની ઓળખ જોઈ રહ્યા છે તો તેઓ આવું શા માટે કરી રહ્યા છે? કારણ કે આપણા દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એક વિભાજન પૈદા થઈ ગયું છે. તેનાથી આ પ્રકારના સંગઠનોને લાગશે કે હિન્દુ તમામ મુસ્લિમો માટે સમસ્યા ઉત્પન્ન કરી રહ્યા છે. ઓળખ જોવાની અને પછી ગમે તેની હત્યા કરવાની, આ વડાપ્રધાન માટે એક સંદેશ છે, કારણ કે મુસ્લિમો પોતાને કમજોર અનુભવી રહ્યા છે. અલ્પસંખ્યક કમજોર અનુભવી રહ્યા છે. આ વાત ઉપરથી આવવી જોઈએ કે આપણે પોતાના દેશમાં સુરક્ષિત અને ધર્મ નિરપેક્ષ અનુભવી રહ્યા છીએ અને આપણે આ પ્રકારના કૃત્ય થતા નહીં જોઈ શકીએ.’
રોબર્ટ વાડ્રાના નિવેદન પર ભાજપ ભડકી
રોબર્ટ વાડ્રાના વિવાદિત નિવેદન પર ભાજપે પલટવાર કરતાં માફીની માગ કરી છે. ભાજપ નેતા નલિન કોહલીએ કહ્યું કે, ‘રોબર્ટ વાડ્રાનું નિવેદન સંપૂર્ણ રીતે નિંદનીય છે. આ આતંકવાદી હુમલામાં પીડિતો પ્રત્યે કઈ પ્રકારની સંવેદનશીલતા? એક તરફ વડાપ્રધાન મોદી પોતાના સાઉદી અરેબિયાની યાત્રાને અધવચ્ચે છોડીને પરત આવ્યા. દેશના ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક ઘાટી પહોંચ્યા. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને કહે છે કે તેઓ સરકારની સાથે છે અને બીજી તરફ રોબર્ટ વાડ્રા જેઓ નેહરુ-ગાંધી પરિવારથી છે, આ પ્રકારનું નિવેદન આપીને નિમ્ન સ્તરની રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે, ‘આ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઇશારા પર રોબર્ટ વાડ્રા દ્વારા આપવામાં આવેલું સૌથી શરમજનક નિવેદન છે. આ નિવેદન સંપૂર્ણ રીતે પાકિસ્તાની આતંકવાદીઓના બચાવ કરવા માટે છે. ઇસ્લામિક જેહાદના આ ગુનાને છૂપાવવા માટે તેમને ક્લિન ચિટ આપવા, હિન્દુઓને દોષિત ગણાવવા, આતંકને યોગ્ય ગણાવવા માટે આપ્યું છે. 26/11 બાદ તેમણે હિન્દુઓને દોષિત ગણાવ્યા અને પુલવામા હુમલા બાદ તેમણે સેનાને દોષિત ગણાવી.’