Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલાથી બેસરન ખીણમાં લોકોનો આક્રંદ ગુંજી રહ્યો હતો. આતંકી હુમલાથી બચવા માટે પર્યટકો નાસ-ભાગ કરી રહ્યા હતા. ઘણા લોકો છુપાઈ ગયા હતા. લોકો એટલી હદે ભયભીત બન્યા હતા કે ત્યાં આવેલા ભારતીય સેનાના જવાનોને જોઈને પણ ડરી રહ્યા હતા. જવાનોને પણ આતંકી સમજી વલોપાત કરી રહ્યા હતા.
એક મહિલાએ સેનાના જવાન પાસે મારી ન નાખવા આજીજી કરી હતી. ભારે ભયના કારણે મહિલા સમજી કે, આ પણ આતંકી જ છે. જવાને તેને માંડ-માંડ સમજાવી કે, મારાથી ભયભીત ન થાવ, હું ઇન્ડિયન આર્મી છું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
મારાથી ડરશો નહીં, અમે તમને બચાવવા આવ્યા છીએ
વીડિયોમાં મહિલા સેનાના જવાનોને જોઈને ભયભીત બને છે. અને તેનું બાળક પણ બૂમો પાડવા લાગે છે. મહિલા જવાનને કહે છે કે, તમે મને મારી નાખો, મારા બાળકને છોડી દો. બાળક અને માતા બંને આક્રંદ કરી રહ્યા હોય છે. ત્યારે સેનાના જવાનો કહે છે કે, અમે ભારતીય સેનાના જવાનો છીએ. અમારી ડરશો નહીં. અમે તમારી સુરક્ષા માટે અહીં આવ્યા છીએ. આ સાંભળતાં જ મહિલા જોર-જોરથી રડવા લાગે છે અને કહે છે, તેઓએ મારા પતિને મારી નાખ્યા. મને પણ મારી નાખો.
28 લોકોની નૃશંસ હત્યા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી 28 લોકોની નૃશંસ હત્યા કરી છે. સેનાના યુનિફોર્મ તેમજ પઠાની પહેરીને આવેલા આતંકીઓએ પર્યટકોના આઇડી ચેક કર્યા, ધર્મ પૂછ્યો અને હિન્દુ કહી ગોળી મારી રહ્યા હતા. મૃતકોમાં બે પ્રવાસી પણ સામેલ હતા.
ટીઆરએફે લીધી જવાબદારી
હુમલામાં આશરે 20 લોકો ઘાયલ થયા છે. સુરક્ષા એજન્સીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી અનેક લોકોની પૂછપરછ હાથ ધરી છે. 1500 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ કાયરતાભર્યા હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ધ રેજિસ્ટન્સ ફ્રન્ટે લીધી છે.