UP Rice Mill Fire and 5 labour Died News : ઉત્તરપ્રદેશના બહરાઈચ જિલ્લાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક ચોખાની મિલમાં સવારે ભીષણ આગ લાગી જતાં અફરા તફરી સર્જાઈ હતી. જોકે આગના કારણે ભયંકર ધૂમાડો ઊઠતાં ગુંગળામણને લીધે શ્વાસ રુંધાતા પાંચ શ્રમિકો મૃત્યુ પામી ગયાના અહેવાલ સામે આવ્યા છે. જોકે આગને કારણે દાઝી જતાં અન્ય ત્રણ શ્રમિકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે.
આગ કેમ લાગી તે હજુ તપાસનો વિષય
માહિતી અનુસાર તમામ શ્રમિકો આગ ઓલવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા જોકે તેઓ આગની લપેટમાં આવી ગયા હતા. હાલમાં ઘાયલોને લખનઉના ટ્રોમા સેન્ટર ખાતે રિફર કરાયા છે. ડીએમ મોનિકા રાનીએ મેડિકલ કોલેજ પહોંચીને ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. આગ કયા કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.
કેવી રીતે ઘટના સર્જાઈ?
ઉલ્લેખનીય છે કે દરગાહમાં રાજગઢિયા રાઈસ મિલ આવેલી છે. આ મિલમાં સવારે આગની ઘટના બની હતી. પહેલા આગ ઉપરના ભાગમાં લાગી હતી પછી સમયાંતરે તેણે મિલને લપેટમાં લઇ લીધી હતી. જેના કારણે ધૂમાડો વધી જતાં ગુંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેની લપેટમાં મિલમાં કામ કરતા શ્રમિકો આવી ગયા હતા.