Pahalgam Terror Attack: પહલગામ હુમલાએ સમગ્ર ભારતને હચમચાવી દીધું છે. ત્યારે આ હુમલાના મુખ્ય આરોપીની ઓળખ પાકિસ્તાની નાગરિક હાશિમ મુસા ઉર્ફે સુલેમાન તરીકે થઈ છે. મુસા છેલ્લા એક વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય હતો અને બહારથી આવતા સુરક્ષા દળો અને કાર્યકરો પર હુમલાઓમાં સામેલ હતો.
આતંકીઓના સ્કેચ તૈયાર
અધિકારીઓના જણાવ્યાનુસાર, એવું માનવામાં આવે છે કે મંગળવારે (22મી એપ્રિલ) પહલગામના બૈસરન મેદાનમાં પ્રવાસીઓ પર હુમલો કર્યા પછી હાશિમ મુસા ચાર અન્ય આતંકીઓ સાથે પીર પંજાલ રેન્જની ઊંચાઈએ છુપાયેલો છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે આ ચાર ગુનેગારોની ઓળખ અલી ભાઈ ઉર્ફે તલ્હા (પાકિસ્તાની), આસિફ ફૌજી (પાકિસ્તાની), આદિલ હુસૈન ઠોકર (અનંતનાગ) અને અહસાન (પુલવામા) તરીકે કરી છે. સ્થાનિક પોલીસે હુમલામાં બચી ગયેલા લોકોની મદદથી આ આતંકીઓના સ્કેચ તૈયાર કરીને જાહેર કર્યા છે.
આ પણ વાંચો: VIDEO: પહલગામના દોષિતો વિરુદ્ધ એક્શન, એક આતંકીનું ઘર બોમ્બથી ઉડાવ્યું, બીજાના ઘરે બુલડોઝર ફેરવ્યું
એવી શક્યતા છે કે મુસા લશ્કર-એ-તૈયબા તેમજ ખીણમાં સક્રિય અન્ય પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથો સાથે કામ કરી રહ્યો છે. એજન્સીઓ આ બાબતની તપાસ કરી રહી છે. આ ઉપરાંત કાશ્મીર ખીણના તે લોકોના સાયબરસ્પેસની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેઓ છેલ્લા કેટલાક મહિનામાં બિન-સ્થાનિક લોકોને નિશાન બનાવવાની યોજના બનાવવા માટે એન્ક્રિપ્ટેડ એપ્સનો ઉપયોગ કરીને લશ્કર અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના સંપર્કમાં હતા.
હાશિમ મુસા આ હુમલાનો મુખ્ય આરોપી છે. તેના વિશે વધુ માહિતી એકત્રિત કરવા માટે કેટલાક સ્થાનિક રહેવાસીઓ અને ઓવરગ્રાઉન્ડ વર્કરની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ માટે પોલીસે 200થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાંથી મોટાભાગના પૂર્વ આતંકીઓ અને ઓવરગ્રાઉન્ડ વર્કર છે. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે પૂછપરછ અને પ્રારંભિક તપાસ પછી મોટાભાગના લોકોને છોડી દીધા છે. આ સાથે આતંકીઓ વિશે માહિતી આપનારાઓને 20 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.