Asaduddin Owaisi On Indus Water Treaty: પહલગામ આતંકવાદી હુમલાના પગલે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી અને પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી. તેમણે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના સરકારના નિર્ણયની પણ પ્રશંસા કરી.
સિંધુ જળ સંધિને સ્થગિત કરવા બાબતે
આ મામલે ઓવૈસીએ કહ્યું કે, ‘સિંધુ જળ સંધિ પર રોક લગાવવામાં આવી એ ખૂબ સારી વાત છે, પરંતુ આપણે પાણી ક્યાં રાખીશું? કેન્દ્ર સરકાર જે પણ નિર્ણય લેશે, અમે તેને સમર્થન આપીશું. આ કોઈ રાજકીય મુદ્દો નથી.’
ઓવૈસીએ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
ઓવૈસીએ આ મામલે વધુમાં કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકાર આતંકવાદી જૂથને આશ્રય આપનાર દેશ સામે કાર્યવાહી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય કાયદો આપણને સ્વ-બચાવમાં પાકિસ્તાન સામે હવાઈ અને નૌકાદળ નાકાબંધી લાદવાની અને પાકિસ્તાનને શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ મંજૂરી આપે છે.’
આ પણ વાંચો: નિર્લજ્જતાની હદ: પાકિસ્તાનના ડેપ્યુટી PMએ કહ્યું, ‘પહલગામ પર હુમલો કરનારા સ્વતંત્રતા સેનાની હોઈ શકે’
સિંધુ જળ સંધિ અંગે ભારતે પાકિસ્તાનને પત્ર લખ્યો
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી હતી અને સંધિને સ્થગિત કરવા સહિત અનેક અન્ય નિર્ણયોની જાહેરાત કરી હતી. આ હુમલામાં 28 લોકો માર્યા ગયા હતા. ભારતના જળ સંસાધન સચિવ દેબશ્રી મુખર્જીએ તેમના પાકિસ્તાની સમકક્ષ સૈયદ અલી મુર્તઝાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને નિશાન બનાવીને પાકિસ્તાન દ્વારા ચાલી રહેલ સરહદ પાર આતંકવાદ સિંધુ જળ સંધિ હેઠળ ભારતના અધિકારોને અવરોધે છે.