114 કરોડની 227 વીઘા જમીન માત્ર 38 કરોડમાં આપી દીધી
ગ્રામજનોએ હાઈકોર્ટના વકીલોની સલાહ લીધી : રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળે કેવિએટ ફાઈલ કરી પાણી પહેલા પાળ બાંધી
આણંદ: આંકલાવના કહાનવાડી ગામની ૨૩૭ વીઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને પાણીના ભાવે આપી દેવા મામલે હવે ગ્રામજનોએ હાઈકોર્ટના વકીલોની સલાહ લેવાનું શરૂ કર્યું છે. ત્યારે આવનારા સમયમાં મામલો હાઈકોર્ટમાં પહોંચે તેવી સંભાવનાઓ છે. બીજી તરફ રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા કેવિએટ ફાઈલ કરી દઈ પાણી પહેલા પાળ બાંધી દીધી છે. વિવાદિત જમીનનો અગાઉ પંચક્યાસ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આંકલાવ તાલુકાના કહાનવાડી ગામની રૂા. ૧૧૪ કરોડની ૨૩૭ વીઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને માત્ર ૩૮ કરોડના પાણીના ભાવે આપી દેવાનો ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો. ગ્રામસભામાં રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળના ત્યાગ સ્વામીનું પૂતળું પણ બાળ્યું હતું. ત્યારે કહાનવાડીની આ વિવાદીત જમીનનું તા. ૬-૩-૨૦૨૪ના રોજ સરકલ અધિકારી અને રેવન્યૂ તલાટીની હાજરીમાં પંચક્યાસ કરાયો હતો. જેમાં જણાવ્યું હતું કે, આંકલાવ તાલુકાની કહાનવાડીના સર્વે નં. ૩૮૮, ૩૮૯, ૩૯૦, ૩૯૧, ૩૯૨ તથા ૩૯૭વાળી જમીન શૈક્ષણિક હેતુ માટે અરજદાર સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ દ્વારા માંગણી કરેલી છે. જે બાબતે નિરીક્ષણ કરાતા તે બાબતે સવાલવાળી જમીનનની સ્થિતિ જણાવીએ છીએ કે, જમીન મહી નદીની પશ્ચિમ દિશામાં આવેલી છે તેમજ ગત વર્ષે કુદરતી પૂર સમયે સવાલ વાળી તમામ જમીનમાં પૂરનું પાણી ભરાઈ ગયેલું હતું. જમીન હાલ ઉબડખાબડ છે તેમજ પડતર છે. આ જમીનમાં અત્યારની સ્થિતિએ ગાંડા બાવળ તથા લીલા વૃક્ષો આવેલા છે. સર્વે નં.- ૩૮૭વાળી જમીનમાં રામદેવપીરનું મંદિર છે અને જમીનમાં કોઈ દબાણ આવેલું નથી. આ પંચક્યાસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ વિવાદિત જમીનને બચાવવા માટે ગ્રામજનોએ હાઈકોર્ટના વકીલોની સલાહ લીધી છે. આવનારા સમયમાં આ મુદ્દે હાઈકોર્ટમાં પણ પહોંચે તેવી સંભાવનાઓ છે. ત્યારે બીજી તરફ રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા પહેલેથી જ કેવિએટ ફાઈલ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.