Accident: ગુરૂગ્રામની પાસે આવેલા હરિયાણાના નૂંહ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર શનિવારે સવારે એક ભીષણ માર્ગ અકસ્માત થયો હતો. આ ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં અને 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. હાલ, મૃતકોના મૃતદહેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ આરોપી ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
6 લોકોના ઘટનાસ્થળે મોત
મળતી માહિતી મુજબ, આજે સવારે 10 વાગ્યાની આસપાસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર નૂહ પોલીસ સ્ટેશનની ફિરોઝપુર ઝીરકા બોર્ડર પર ઇબ્રાહિમવાસ ગામ નજીક એક બેકાબૂ પીક-અપ વાહને 6 મહિલાઓ સહિત 11 સફાઈ કર્મચારીઓને કચડી નાખ્યા હતાં. આ દુ:ખદ માર્ગ અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સિવાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમની સ્થિતિ ગંભીર છે. જોકે, મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી.
આ પણ વાંચોઃ ‘નળ-પાઇપ લગાવવાનું કામ મારું નથી…’ જ્યારે મોદી સરકારના દિગ્ગજ મંત્રી અચાનક ભડક્યાં
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસ અને સ્થાનિક લોકો અનુસાર, અકસ્માત બાદ પીક-અપ ડ્રાઇવર ગાડીને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો. હાલ, પોલીસ ડ્રાઇવરની શોધખોળ કરી રહી છે. આ સાથે જ એક્સપ્રેસ-વે પર લાગેલા સીસીટીવીના આધારે પોલીસ ડ્રાઇવરની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે તેમજ અકસ્માતનું કારણ શોધી રહી છે.
આ પણ વાંચોઃ ‘પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે…’ પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા
મૃતકોની ઓળખ નથી થઈ શકી
પોલીસનું કહેવું છે કે, મૃતક જે કોન્ટ્રાક્ટરોની હેઠળ કામ કરતા હતાં, તે હજુ સુધી સામે નથી આવ્યો. કોન્ટ્રાક્ટરના સામે આવ્યા બાદ ઈજાગ્રસ્તો અને મૃતકોની ઓળખ થઈ શકશે. હાલ, મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ એક્સપ્રેસ-વે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો, જેને ખોલવા પોલીસે ભારે જહેમત કરવી પડી હતી.