Jaipur News: રાજસ્થાનના જયપુરની હવામહેલ સીટના ભાજપના ધારાસભ્યના બાલમુકુંદ આચાર્યના ધાર્મિક સ્થળમાં પ્રવેશીને પોસ્ટર લગાવવાના વિવાદે જોર પકડ્યું છે. ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે શનિવારે (26 એપ્રિલ, 2025) જોહારી બજાર ખાતે બાલમુકુંદ આચાર્યની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ નોંધાવી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ
જયપુરના જોહારી બજારમાં ભાજપ ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યના નિવેદનને લઈને આજે શનિવારે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે જોહારી બજાર ખાતે વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ જોહારી બજારનો વિસ્તાર બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટના એમ છે કે, અસ્રની નમાજ પછી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યની ધરપકડની માગ કરી હતી.
પોલીસે લાઠી ચાર્જ કર્યો
મળતી માહિતી મુજબ, હવામહેલ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય પર વાતાવરણ ખરાબ કરવાના આરોપ લગાવીને લોકોએ નારેબાજી કરીને ધારાસભ્યની ધરપકડની માગ કરી હતી. જ્યારે પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યાનો અનેક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.
બાલમુકુંદ આચાર્યએ શું કહ્યું?
ધાર્મિક સ્થળમાં ઘૂસીને વિવાદાસ્પદ પોસ્ટરો લગાવવા અને ઉશ્કેરણીજનક નારેબાજી કરવાના આરોપોને ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, તે અને તેમના કોઈપણ સમર્થકો ધાર્મિક સ્થળમાં પ્રવેશ્યા ન હતા અને ન તો કોઈ નારેબાજી કરી હતી. પોસ્ટરો ધાર્મિક સ્થળની બહારની દિવાલો પર લગાવવામાં આવ્યા હતા. આતંકવાદ અને પાકિસ્તાન વિરૂદ્ધ પોસ્ટરો ફક્ત ધાર્મિક સ્થળની દિવાલો પર જ નહીં પરંતુ સમગ્ર આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા.’
આ પણ વાંચો: બેવકૂફ છે બિલાવલ ભુટ્ટો, માનસિક સ્થિતિની તપાસ કરાવો: પાકિસ્તાનની ધમકી પર કેન્દ્રીય મંત્રીનો જવાબ
જ્યારે ધાર્મિક સ્થળના સમુદાયનું કહેવું છે કે, ‘અમારો ગુસ્સો દુશ્મન દેશ વિરૂદ્ધમાં નારેબાજી કરવાને લઈને નથી, પરંતુ ધાર્મિક સ્થળની બહાર જાહેરમાં ધાર્મિક નારા લગાવીને માહોલ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ આરોપીને લઈને ધારાસભ્યની ધરપકડની માગ કરવામાં આવી હતી.’