– આતંકીઓને લશ્કરના બન્કરોમા રહેવાનો પાક.નો આદેશ
– બેસરન ઘાટી પર આતંકીઓએ હુમલો કર્યો ત્યાં ક્યાંય સીસીટીવી ફૂટેજ ન હતા, આર્મીને પણ પહોંચતા કલાક લાગ્યો
નવી દિલ્હી : પહલગામ હુમલા પછી ભારતના સંભવિત વળતા પ્રહારના ડરે પાકિસ્તાનો પાક અધિકૃત કાશ્મીર (પીઓક)માં કેટલાય આતંકવાદી લોન્ચપેડ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. પાકે. આતંકવાદીઓને લશ્કરના બંકરમાં શિફ્ટ થવા જણાવ્યું છે જેથી તે ભારતની કાર્યવાહીથી બચી શકે. આતંકવાદીઓ પીઓકેના લોન્ચ પેડમાંથી જમ્મુ-કાશ્મીરમાં દાખલ થાય છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓએ કેટલાક લોન્ચ પેડની ઓળખ કરી હતી, જેમા આ લોન્ચ પેડથી આતંકવાદીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેલ, સારડી, દુધનિયાલ, અથમુકમ, જુરા, લીપા, પછિબન, ફોરવર્ડ કહુટા, કોટલી, ખુઇરત્તા, મંધાર, નિકેલ, ચમનકોટ અને જાનકોટમાં કેટલાક લોન્ચ પેડ છે, જ્યાં આતંકવાદી હંમેશા હાજર હોય છે.
સરહદ પર તનાવની વચ્ચે કાશ્મીરમાં એલઓસીની પાસે રહેતા લોકોને હવે પોતાની સલામતીની ચિંતા સતાવી રહી છે. તેઓ હવે પોતાની સુરક્ષામાં લાગેલા છે. તેમા પણ ખાસ કરીને પીઓકેમાં ભારતીય લશ્કરની કાર્યવાહીની ચેતવણી પછી ચિંતા વધી છે.પહલગામની જે બેસરન ઘાટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો તેમા ક્યાંય સીસીટીવી ફૂટેજ ન હતા. આ કારણે તપાસ એજન્સીઓ નજરે જોનારાઓના નિવેદનો પર આગળ વધી રહી છે. પહલગામમાં જ્યાં પર્યટકોની સૌથી વધારે ભીડ રહેતી હતી ત્યાં સીઆરપીએફની બે કંપનીઓ રહેતી હતી. પરંતુ કેટલાક મહિના પહેલા સીઆરપીેફની બેમાંથી એક કંપનીને બીજા સ્થળે મોકલાઈ હતી. હવે જ્યાં આ હુમલો થયો ત્યાં હાજર સીઆરપીએફની સૌથી નજીકની ક્વિક રિસ્પોન્સ ટીમને પણ પહોંચવામાં કલાકથી વધુ સમય લાગ્યો હતો. વાસ્તવમાં આ હુમલો થયો ત્યાં વાહન જઈ શકતું ન હતુ. તેથી ત્યાં પગે ચાલતા જવું પડતું હતું અથવા તો ખચ્ચર પર બેસીને જવું પડતું હતું. તેથી સીઆરપીએફની ટુકડી ત્યાં પહોંચી તે પહેલા આતંકવાદીઓ તેમનું કામ કરી જંગલમાં ગાયબ થઈ ગયા હતા.
પહલગામ આતંકવાદી હુમલાનો તપાસ કરતી એજન્સીઓને શંકા છે કે આ હુમલામાં ચીનની મોબાઇલ કંપની હુવેઈના સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આના પગલે આતંકવાદીઓના કમ્યુનિકેશનની નવી પદ્ધતિને લઈને ચિંતા વધી છે. સર્વેલન્સ સિસ્ટમથી હુવેઈ સેટેલાઇટ ફોનની એક્ટિવિટીની ખબર પડી છે. હવે હુમલા સાથે તેના જોડાણની તપાસ કરવામાં આવી રહી છે. ચીનની કંપની હુવેઈ ભારતમાં પ્રતિબંધિત છે. તે બિલ્ટ ઇન સેટેલાઇટ કમ્યુનિકેશન ફીચર સાથે સ્માર્ટફોન બનાવે છે. તેમા ૬૦ પ્રો, પી-૬૦ સીરીઝ અને નોવા-૧૧ અલ્ટ્રા સામેલ છે. આ ડિવાઇસોને ખાસ કરીને ચીનના ટિયાનટોંગ-૧ સેટેલાઇટ સાથે કનેક્ટ કરવા ડિઝાઇન કરવામાં આવ્યા છે.
પહલગામમાં આતંકવાદી હુમલા પછી સરહદ પર તનાવ વધેલો છે. પાકિસ્તાન વાસ્તવિક અંકુશરેખા પર સતત ગોળીબાર કરી રહ્યું છે. પાકે. લગભગ ૨૭ અને ૨૮મી એપ્રિલની રાતે ઉશ્કેરણી વગર ગોળીબાર શરૂ કરી દીધો. ભારતીય સૈનિકોએ તેનો વળતો જવાબ આપ્યો હતો.