– બિહારના બેગુસરાયમાં માનસિક વિકલાંગ યુવતી ભોગ બની
– બછવાડા પોલીસ સ્ટેશન ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી
બેગુસરાય : બેગુસરાયના બછવાડા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ત્રણ નરાધમોએ માનસિકરુપે વિકલાંગ યુવતી સાથે દુષ્કર્મ કરીને તેનો વીડિયો વાયરલ કરતા આ વિસ્તારમાં રોષ ફેલાયો હતો. વાયરલ વીડિયોના આધારે ત્રણ યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેઘડા ડીએસપીના નેતૃત્વમાં એફએસએલની મદદથી તપાસ સાથે પોલીસ ટીમ દરેક પહેલુ પર તપાસ કરી રહી છે.
સુત્રોએ જણાવ્યું હતું કે માનસિક વિકલાંગ યુવતી તેના ઘરથી ૨૦૦ મીટર દૂર સોચક્રિયા માટે ગઇ હતી ત્યારે ગામના ત્રણ યુવકોએ તેને ભોળવીને સુમસામ મકાઇના ખેતરમાં લઇ ગયા હતાં. બે યુવકોએ સામુહિક દુષ્કર્મ કર્યુ હતુ અને ત્રીજાએ તેનો વીડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.
વીડિયો વાઇરલ થતાં ગ્રામિણોએ તેની જાણકારી પીડિતના પિતાને કરી હતી. પિતાએ રાત્રે તેની પુત્રીની પૂછપરછ કરતા માનસિક વિકલાંગ યુવતીએ હકિકત જણાવી હતી. રવિવારે પિતાએ બછવાડા પોલીસ સ્ટેશન જઇને વીડિયો બતાવીને ફરિયાદ લખાવી હતી. પોલીસે વીડિયો પરથી નરાધમોને ઓળખીને તેના ઘરે જઇ દબોચી લીધા હતાં. ત્રણેય આરોપી પીડિતાના ઘરથી ૫૦૦ મીટરમાં રહેતા હતાં. ધરપકડ કરાયેલા આરોપીમાં ૩૫ વર્ષિય રામલાલ દાસ, ૪૫ વર્ષિય દેવેન્દ્ર સાહ અને ભગવાનપુરનો પ્રદિપકુમારનો સમાવેશ થાય છે. પોલીસ સ્ટેશનના ઇનચાર્જ મનોજકુમાર સિંહે કહ્યું હતું કે રવિવારે ફરિયાદ મળી હતી કે ગામના બે યુવકોએ માનસિક વિકલાંગ યુવતી સાથે દુષ્કર્મ કર્યું છે અને ત્રીજા યુવકે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે. જાણકારી મળ્યા બાદ તેઘડા ડીએસપી અને બછવાડા પોલીસ સ્ટેશન વડા ટીમ સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા અને તપાસ બાદ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.