મુંબઈ : અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફની કરાયેલી જાહેરાતને પરિણામે ભારતના આગેવાન ઓટો કમ્પોનેન્ટ ઉત્પાદકોને વર્તમાન નાણાં વર્ષમાં આવકમાં રૂપિયા ૪૫૦૦ કરોડનો ફટકો પડી શકે છે.
ઊંચા ટેરિફને કારણે અમેરિકા ખાતે ઓટો કમ્પોનેન્ટસની નિકાસ મારફતની આવકમાં જો મધ્યમથી ઊચા એક અંકી ઘટાડો થશે તો નાણાં વર્ષ ૨૦૨૬માં ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ મંદ પડી ૬થી ૮ ટકા રહેશે જે અગાઉ ૮-૧૦ ટકા અંદાજવામાં આવી હતી એમ ઈક્રા દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
અમેરિકા દ્વારા જાહેર કરાયેલા જંગી ટેરિફને કારણે સંપૂર્ણ પૂરવઠા સાંકળ પર રૂપિયા ૯૦૦૦ કરોડનો બોજો આવી પડશે જેને અમેરિકાના વપરાશકારો, આયાતકારો તથા ભારતના ઓટો કમ્પોનેન્ટના નિકાસકારોએ સહન કરવાનો આવશે.
ભારતના મોટાભાગના નિકાસકારો તેમના પર આવી પડનારો બોજ અંતિમ ગ્રાહકો પર પસાર કરશે તેવી શકયતા છે. નાણાં વર્ષ ૨૦૨૪માં ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગની એકંદર આવકમાં અમેરિકાનો હિસ્સો આઠ ટકા રહ્યો હતો.
નાણાં વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ના ગાળામાં અમેરિકા ખાતે ભારતની ઓટો કમ્પોનેન્ટસની નિકાસમાં ૧૫ ટકા ચક્રવૃદ્ધિ થઈ હોવાનું ઈક્રાએ વધુમાં જણાવ્યું છે.