– કોઈ દેશ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરી શકે નહીં
– સામાન્ય લોકો વિરુદ્ધ સ્પાયવેરના ઉપયોગના આરોપોની તપાસ થવી જોઈએ : ન્યાયાધીશ સૂર્યકાંત
– કેન્દ્ર સરકાર પર પેગાસસ મારફત ન્યાયાધીશો, પત્રકારો, નેતાઓ, સામાજિક કાર્યકરોની જાસૂસીનો આરોપ મૂકાયો હતો
નવી દિલ્હી : ઈઝરાયેલની સાયબર-આર્મ કંપની એનએસઓ ગૂ્રપના જાસૂસી સોફ્ટવેર પેગાસસ મારફત જાસૂસીના મુદ્દે સુનાવણી કરતા મંગળવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષાના આશયથી કોઈ દેશ પાસે સ્પાયવેર હોવું કોઈ ખોટી બાબત નથી. વાસ્તવિક ચિંતા એ છે કે તેનો ઉપયોગ કેવા લોકો અને કોના વિરુદ્ધ કરવામાં આવે છે. દેશદ્રોહીઓ વિરુદ્ધ સ્પાયવેરનો ઉપયોગ કરવામાં કશું ખોટું નથી. જોકે, સામાન્ય લોકો વિરુદ્ધ સ્પાયવેરના ઉપયોગના આરોપોની તપાસ થવી જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
ઈઝરાયેલની સાયબર-આર્મ કંપની એનએસઓ ગૂ્રપના જાસૂસી સોફ્ટવેર પેગાસસ મારફત જાસૂસીના મુદ્દે વિપક્ષ સહિત માનવ અધિકાર જૂથોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ભારત સરકાર દ્વારા ઈઝરાયેલના સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરીને પત્રકારો, ન્યાયાધીશો, સામાજિક કાર્યકરો, નેતાઓ અને અન્ય લોકોની જાસૂસી કરી હોવાનો આરોપ મૂકાયો હતો. આ બાબતમાં સ્વતંત્ર તપાસની માગ કરતા વર્ષ ૨૦૨૧માં સુપ્રીમમાં અનેક રીટ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
આ અરજીઓ પર ન્યાયાધીશો સૂર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે સુનાવણી કરતી હતી. તેમણે કહ્યંા કોઈ દેશ પોતાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરી શકે નહીં. ન્યાયાધીશ સૂર્યકાંતે સિનિયર એડવોકેટ દિનેશ દ્વિવેદીને જવાબ આપતા કહ્યું, દેશ સ્પાયવેરનો ઉપયોગ કરી રહ્યો હોય તો તેમાં કશું ખોટું નથી. તેનો ઉપયોગ કોના વિરુદ્ધ કરાય છે તે સવાલ છે. અમે દેશની સુરક્ષા સાથે સમજૂતી કરી શકીએ નહીં. રાષ્ટ્રીય સુરક્ષા અને સંપ્રભુતાના મુદ્દે પેગાસસનો કોઈપણ રિપોર્ટ જાહેર કરાશે નહીં.
વરિષ્ઠ વકીલ દિનેશ દ્વિવેદીએ દલીલ કરી કે મોટો સવાલ એ છે કે શું સરકાર પાસે પેગાસસ સ્પાયવેર હતું અને શું તે તેનો ઉપયોગ કરી રહી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આતંકવાદી પ્રાઈવસીના અધિકારનો દાવો કરી શકે નહીં. ન્યાયાધીશ સૂર્યકાંતે પણ કહ્યું કે, એક નાગરિક વ્યક્તિ જેની પાસે પ્રાઈવસીનો અધિકાર છે તેનું બંધારણ હેઠળ રક્ષણ કરાશે.
અરજદારો તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપીલ સિબલે અમેરિકન જિલ્લા ન્યાયાલયના એક ચૂકાદાને ટાંક્યો હતો, જેમાં કહેવાયું હતું કે ઈઝરાયેલ સ્થિત સ્પાયવેર કંપની એનએસઓ જૂથે વોટ્સએપ હેક કરવા માટે પેગાસસ માલવેરનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું કે ચૂકાદામાં ભારતને અસરગ્રસ્ત દેશોમાંથી એક તરીકે ઓળખવામાં આવ્યો હતો.
ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે અને આરોપોની તપાસ માટે ન્યાયાધીશ રવીન્દ્રનના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરાઈ છે. સુપ્રીમે આગળ કહ્યું કે, સ્પાયવેરના કથિત દુરુપયોગ પર નિષ્ણાતોની સમિતિનો રિપોર્ટ જાહેર કરી શકાય નહીં, કારમ કે એવું કરવાથી મામલો રસ્તા પરની ચર્ચાના સ્તરનો મુદ્દો બની જશે.
વ્યક્તિગત આશંકાઓ પર વાત કરવી જોઈએ. પરંતુ તેને રસ્તા પરની ચર્ચાઓ માટેનો એક દસ્તાવેજ બનવા દઈ શકાય નહીં. અન્ય એક અરજદાર તરફથી હાજર થયેલા વરીષ્ઠ વકીલ શ્યામ દીવાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ટેકનિકલ સમિતિનો રિપોર્ટ કોઈપણ ફેરફાર વિના જેહાર કરવો જોઈએ.