– માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં જિલ્લા પુરવઠા અને મામલતદારની ટીમના દરોડા
– પુરવઠાની ટીમના ચેકિંગમાં સ્ટોક પ્રત્રક નહીં હોવાથી જથ્થો જપ્ત કરાયો, સરકારી અનાજ હોવાની આશંકા, તમામના સેમ્પલ લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા
નડિયાદ : માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા અને મામલતદારની ટીમે દરોડો પાડયો હતો. આ ફેક્ટરીમાં ચેકિંગ દરમિયાન સ્ટોક પત્રક મળ્યું ન હતું. જેના પગલે ચોખા ૨૮૩ ટન, ઘઉં -૬૩ અને બાજરી ૩૪ ટનનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ તમામ જથ્થાના નમૂના લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.
તાલુકાના મહેલાજ ગામમાં જન્ટ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં નાગરિકોએ અનાજનો જથ્થો પકડી પાડયો હતો અને પુરવઠા વિભાગને જાણ કરી હતી અને જિલ્લા પુરવઠા વિભાગની ટીમ ફેક્ટરીમાં દોડી આવી હતી અને જિલ્લા પુરવઠા અધિકારી અને માતર મામલતદારે ફેક્ટરીમાં તપાસ કરી હતી અને તપાસ દરમિયાન ગોડાઉનમાં રાખેલા ચોખા, બાજરી અને ઘઉંના સ્ટોક પત્રક મળ્યા ન હતા. પુરવઠા વિભાગે તમામ શંકાસ્પદ સરકારી અનાજ હોવાનું માનીને જથ્થો સીઝ કર્યો હતો. જેમાં ચોખા૨૮૨ ટન, ઘઉં ૬૩, અને બાજરી ૩૪ ટન કુલ મળી રૂ. ૧.૪૩ કરોડના અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. મામલતદારે જણાવ્યુ કે, ગોડાઉન માલિક પાસે અનાજના જથ્થાનું સ્ટોક પત્રક નહીં હોવાથી ૧.૪૩ કરોડનો જથ્થો જપ્ત કર્યો છે. તમામ જથ્તાના નમુના લઇ સરકારી છે કે કેમ ? તે તપાસવા લેબોરેટરીમાં મોકલ્યા છે.