મુંબઈ : એટીએમમાંથી નાણાં કઢાવતા બેન્ક ખાતેદારોને રૂપિયા ૧૦૦ તથા રૂપિયા ૨૦૦ની ચલણી નોટસ મળી રહે તેની ખાતરી રાખવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બેન્કોને સૂચના આપી છે. આ માટે એટીએમમાં આ ચલણી નોટોની ઉપલબ્ધતા વધારવા જણાવ્યું હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોેએ જણાવ્યું હતું.
મોટાભાગના નાની માત્રાના રોકડ વ્યવહારમાં રૂપિયા ૧૦૦ તથા રૂપિયા ૨૦૦ની ચલણી નોટોનો વ્યાપક ઉપયોગ થતો હોવાનું ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે દરેક બેન્કો તથા વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરોને તેમના એટીએમમાંથી આ ચલણી નોટસ ખાતેદારોને મળી રહે તેની તકેદારી લેવા સૂચના આપી છે.
રિઝર્વ બેન્કના સર્ક્યુલર પ્રમાણે, વર્તમાન વર્ષના ૩૦ સપ્ટેમ્બર સુધીમાં દરેક એટીએમમાંથી ૭૫ ટકા એટીએમે ઓછામાં ઓછી એક કેસેટમાંથી રૂપિયા ૧૦૦ અથવા રૂપિયા ૨૦૦ની ચલણી નોટસ પૂરી પાડવાની રહેશે.
૩૧મી માર્ચ, ૨૦૨૬ સુધીમાં ૯૦ ટકા એટીએમમાંથી આ સવલત મળતી થશે.
જો કે ગુગલપે અથવા પેટીએમ જેવી પેમેન્ટ વ્યવસ્થાને કારણે એટીએમમાંથી નાણાં કઢાવવાની માત્રામાં તાજેતરના દિવસોમાં ઘટાડો થયો છે.
એટીએમનો ઉપયોગ ઘટી જતા અનેક વિસ્તારોમાં એટીએમ બંધ કરી દેવાયા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.