Supreme Court On Pahalgam Attack: સુપ્રીમ કોર્ટે પહલગામ આતંકવાદી હુમલાની તપાસની માગ કરતી PIL પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. આ મામલે નિવૃત્ત જજની દેખરેખ હેઠળ તપાસ કરવાની માગ થઈ હતી. જેના પર ફિટકાર લગાવતાં સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટેશ્વર સિંહની બેન્ચે કહ્યું કે, આ પ્રકારની અરજીઓથી સેનાનું મનોબળ તૂટી જાય છે.
સુપ્રીમ કોર્ટે અરજદાર અને વકીલ ફતેશ સાહુની અરજી ફગાવતાં કહ્યું કે, ‘હાલ આ અરજી કરવાનો સમય નથી. હાલ આખો દેશ એકજૂટ થઈ આતંકવાદ વિરુદ્ધ લડી રહ્યો છે, ત્યારે આ પ્રકારના મામલામાં ક્યારથી નિષ્ણાતો સામેલ થવા લાગ્યા? હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ કેવી રીતે સુરક્ષા બાબતોમાં નિષ્ણાત બની શકે છે. આ પ્રકારની અરજીઓથી સેનાનું મનોબળ પડી ભાંગે છે. અમારું કામ વિવાદોનો ઉકેલ લાવવાનું છે. સુપ્રીમ કોર્ટે પહલગામ આતંકવાદી હુમલાની ટીકા કરતાં કહ્યું કે, હાલ દેશના પ્રત્યેક નાગરિક માટે નાજુક ઘડી છે. આ મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને સમજો.’
આ પણ વાંચોઃ પાકિસ્તાને જ આતંકવાદીઓને હથિયાર આપ્યા: NIAની FIRમાં પહલગામ હુમલા અંગે ખુલાસો
જવાબદાર વકીલ બનોઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે અરજદારને સલાહ પણ આપી છે કે, ‘અમારું કામ વિવાદો ઉકેલવાનું છે. તેઓ વિદ્યાર્થીઓ માટે કોર્ટમાં આવ્યા હતા. પરંતુ તમારી આ અરજીમાં વિદ્યાર્થીઓ માટે એક પણ અરજી નથી. આ પ્રકારની અરજી કરશો નહીં. તમે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ પાસે તપાસ કરાવવા માંગો છો? આ મામલાની ગંભીરતા તો સમજો. જજનું કામ વિવાદો ઉકેલવાનું છે. તપાસ કરવાનું નહીં. મહેરબાની કરીને જવાબદાર વકીલ બનો. શું આ પ્રકારની અરજીથી તમે સેનાનું મનોબળ તોડી રહ્યા નથી. કોર્ટે અરજી પરત લેવાની સલાહ આપતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અપીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટ તેમને હાઇકોર્ટમાં જતાં પણ રોકે.
PILમાં શું માગ?
અરજીમાં પહલગામ હુમલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટેના નિવૃત્ત જજના નેતૃત્વ હેઠળ એક ન્યાયિક આયોગની રચના કરવા માગ થઈ હતી. તેમજ અરજીમાં કેન્દ્ર, જમ્મુ-કાશ્મીર, સીઆરપીએફ, NIAને જમ્મુ-કાશ્મીરના પ્રવાસન સ્થળોમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ આપવાની પણ માગ કરી હતી.