મુંબઈ : જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠાને પૂર્વવત કરવાનો નિર્ણય ટેકાના ભાવે ઘઉંંની ખરીદીની કામગીરી સમાપ્ત થયા બાદ લેવાશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ૨૦૨૪-૨૫ના ક્રોપ યર (જુલાઈથી જૂન) દરમિયાન દેશમાં ઘઉંનું ઉત્પાદન ૧૧.૫૦ કરોડ ટન રહેવાનો સરકારે અંદાજ મૂકયો છે.
વર્તમાન વર્ષમાં સરકાર ટેકાના ભાવે ૩.૧૨ કરોડ ટન ઘઉં ખરીદવા ટાર્ગેટ ધરાવે છે. અત્યારસુધીમાં ટેકાના ભાવે ૨.૫૬ કરોડ ટન ઘઉંની ખરીદી પાર પડી હોવાનું અન્ન મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
૨૦૨૨માં ઘઉંની ટેકાના ભાવે ખરીદી નોંધપાત્ર નીચી રહેતા સરકારે જાહેર વિતરણ પદ્ધતિ મારફત ઘઉંના પૂરવઠા પર કાપ મૂકયો હતો અને તેના બદલે ચોખા વધુ આપવાનું શરૂ કરાયુ હતું.
જો કે ૨૦૨૪માં આ ઘટાડો આંશિક પ્રસ્થાપિત કરાયો હતો. વર્તમાન વર્ષમાં સરકારે ૩૦ એપ્રિલ સુધીમાં ૨.૫૬ કરોડ ટન ઘઉંની કરેલી ખરીદી ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૨૪.૭૮ ટકા વધુ છે. ગયા વર્ષના ૩૦ એપ્રિલ સુધીમાં ૨.૦૫ કરોડ ટન ઘઉં ખરીદાયા હતા.
વર્તમાન મોસમ માટે ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૨૪૨૫ નિશ્ચિત કરાયો છે.
વર્તમાન વર્ષમાં ઘઉંના સારા ઉત્પાદનને ધ્યાનમાં રાખતા ઘઉંની નિકાસ પરના પ્રતિબંધને ઉઠાવી લેવા અંગે હાલમાં કંઈપણ કહેવું વહેલુ ગણાશે એમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
દેશમાં વર્તમાન મોસમમાં એકંદરે ૩.૨૬ કરોડ હેકટર વિસ્તાર પર ઘઉંંનું વાવેતર થયું હતું જેમાંથી ૨.૯૯ કરોડ હેકટર સાથે ૯૨ ટકા વાવેતર પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન તથા બિહારમાં થયું હતું.