મુંબઈ : રિઝર્વ બેન્કના સખત ધોરણોને પરિણામે સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં બેન્કિંગ ક્ષેત્રમાં રિટેલ ધિરાણ વૃદ્ધિ મંદ પડીને વાર્ષિક ધોરણે ૧૧.૬૦ ટકા રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૭.૬૦ ટકા રહી હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. આમછતાં અન્ય સેગમેન્ટની સરખામણીએ સૌથી વધુ લોન્સ રિટેલ સેગમેન્ટમાં જોવા મળી રહી છે.
કૃષિ, સેવા અને વ્યક્તિગત લોન ક્ષેત્રોમાં ઘટાડા તરફી વલણ જોવાયંુ
રિઝર્વ બેન્ક દ્વારા રિસ્ક વેઈટ ધોરણ વધારી દેવાતા બેન્કોએ અનસિકયોર્ડ લોન છૂટી કરવાની ગતિ ધીમી કરવી પડી હતી. રિટેલ ધિરાણનો આંક નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે રૂપિયા ૫૯.૫૦ ટ્રિલિયન રહ્યો હતો. અન્ય સેગમેન્ટ જેમ કે કૃષિ તથા સંલગ્ન પ્રવૃત્તિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને ધિરાણની સરખામણીએ સૌથી વધુ ધિરાણ રિટેલ સેગમેન્ટમાં જોવા મળી રહ્યું છે.
રિટેલ ધિરાણમાં ખાસ કરીને અનસિકયોર્ડ લોનમાં ડિફોલ્ટમાં જોવા મળેલા વધારાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે આ સેગમેન્ટની લોન માટેના રિસ્ક વેઈટને ૧૦૦ ટકા પરથી વધારી ૧૨૫ ટકા કર્યું હતું. જો કે હવે તેને પ્રસ્થાપિત કરાયું છે.
બેન્કિંગ ક્ષેત્રમાં એકંદર ધિરાણ વૃદ્ધિ ઘટીને ગત નાણાં વર્ષમાં ૧૧ ટકા રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૪માં ૨૦.૧૧ ટકા જોવા મળી હતી. નાણાં વર્ષ ૨૦૨૫ના અંતે એકંદર ધિરાણનો આંક રૂપિયા ૨૭.૫૬ ટ્રિલિયન વધી રૂપિયા ૧૮૨.૪૦ ટ્રિલિયન રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે.
સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં કૃષિ તથા સંલગ્ન ક્ષેત્રને ધિરાણનો આંક વાર્ષિક ધોરણે ૧૦.૪૦ ટકા વધી રૂપિયા ૨૨.૯૦ ટ્રિલિયન રહ્યો હતો. ઔદ્યોગિક ધિરાણનો આંક ૭.૮૦ ટકા વધી રૂપિયા ૩૯.૪૦ ટ્રિલિયન જ્યારે સેવા ક્ષેત્રમાં ધિરાણમાં ૧૨.૪૦ ટકા વધી આંક રૂપિયા ૫૧.૬૦ ટ્રિલિયન રહ્યો હતો.
આ વખતે કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે આપવામાં આવેલી લોનમાં માત્ર ૧૦.૪% નો વધારો થયો છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે વૃદ્ધિ ૨૦% હતી. આ વખતે ઔદ્યોગિક ક્ષેત્રને આપવામાં આવેલી લોનમાં પણ ૮%નો વધારો થયો છે, જે ગયા વર્ષની ગતિ જેટલો જ છે. ઉદ્યોગની અંદર, પેટ્રોલિયમ, કોલસો, ધાતુઓ, મશીનરી અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં સારી લોન વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ માળખાગત ક્ષેત્રમાં લોન વૃદ્ધિ થોડી ધીમી પડી છે.
આ વર્ષે સેવા ક્ષેત્રને બેંક લોન ૧૩.૪% વધી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૨૦.૮% હતી. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે આ ઘટાડાનું મુખ્ય કારણ એનબીએફસી એટલે કે નોન-બેંકિંગ કંપનીઓને આપવામાં આવેલી લોનમાં ઘટાડો છે. જોકે, વ્યાવસાયિક સેવાઓ અને વેપાર ક્ષેત્રોમાં લોન વૃદ્ધિ હજુ પણ સારી છે.
રિટેલ સેગમેન્ટમાં હાઉસિંગ લોન, પરસનલ લોન, વ્હીકલ્સ લોન તથા ક્રેડિટ કાર્ડસ પેટે બાકી નીકળતી રકમનો સમાવેશ થાય છે.