વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદનો વરસાવ્યાં
ટ્રમ્પની ટેરિફ વૉર અને ચીનના વિસ્તારવાદ વચ્ચે પણ સિંગાપુરના ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ વોંગે સિંગાપુરવાસીઓને ઉજ્જવળ ભવિષ્યની આશા આપી
નવી દિલ્હી: માત્ર ૬૩૯ કી.મી.નું ક્ષેત્રફળ ધરાવતાં હોવા છતાં વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનાં ટાપુ રાષ્ટ્ર સિંગાપુરના વડાપ્રધાન પદે ૫૨ વર્ષના લોરેન્સ વોંગ ફરી એકવાર આવતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓને અભિનંદનો આપ્યાં હતાં.
લોરેન્સ વોંગ એક ખ્યાતનામ અર્થશાસ્ત્રી છે. સાથે ગીટારવાદક પણ છે. ઉલ્લેખનીય તે છે કે તેઓની પાર્ટી પીપલ્સ એક્શન પાર્ટી (પીએપી) છેલ્લા પાંચ દાયકાથી સિંગાપુર પર શાસન કરે છે.
સિંગાપુરમાં સામાન્ય ચૂંટણી યોજાઈ તે સમયે ચૂંટણી પ્રચારમાં વોંગે કહ્યું હતું કે અમારા પક્ષનું ધ્યેય બહુ સ્પષ્ટ છે, અમારી પીપલ્સ એકશન પાર્ટી સિંગાપુરને ચક્રવાતમાંથી બહાર કાઢી ઉત્કર્ષ તરફ દેશને લઇ જવા માગીએ છીએ.
શનિવારે જાહેર થયેલાં ચૂંટણી પરિણામોમાં વોંગની પાર્ટીએ જબરજસ્ત બહુમતી (૬૭ ટકાથી પણ વધુ) પ્રાપ્ત કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પની ટેરિફ વૉર અને ચીનની વિસ્તારવાદી નીતિ પીપલ્સ એકશન પાર્ટીના મુખ્ય મુદ્દાઓ હતા.
પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન હાર્વડના એલ્યુમીની (પૂર્વ વિદ્યાર્થી)એ કહ્યું હતું કે અમેરિકા અને ચાયના બંને કહે છે કે તેઓ કોઈપણ દેશને કોઈની પણ તરફદારી કરે તે જોવા માગતા નથી, પરંતુ વાસ્તવમાં બંને દેશો બીજા દેશોને પોતાની તરફ ખેંચી રહ્યા છે અને પોતાની પરિધીમાં તેઓ (દેશો) આવી જાય તેવા સતત પ્રયત્નો કરતા રહે છે. તેઓની સ્પર્ધા વિશ્વ રાજકારણને નવો આકાર આપી રહ્યા છે. તેથી આગામી વર્ષો સુધી વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિ ઉપર તેની ગાઢ અસર થતી રહેશે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું વિશ્વ અત્યારે અત્યંત ગૂંચવાયેલી પરિસ્થિતિમાં આગળ ધસી રહેલું દેખાય છે. પરંતુ કઇ દિશામાં ? કોઈને વિષે કશું કહી શકે તેમ નથી.
વાંગ ૨૦૨૧માં વિત્તમંત્રાલય સંભાળતા હતા. તે દરમિયાન ૭૨ વર્ષના વડાપ્રધાન લી હસીએન લૂંગે પદ છોડી વોંગને વડાપ્રધાન પદ સોંપ્યું હતું. લૂંગ ૨૦ વર્ષથી ટાપુ રાષ્ટ્રના વડાપ્રધાન પદે હતા. તેઓ પણ પીપલ્સ એકશન પાર્ટી (પીએપી) દ્વારા તે પદ માટે પાર્ટી મીટમાં ચૂંટાયા હતા.
વાંગ પાર્ટીના મહામંત્રી પદે પણ છે. તેઓની કેરિયર જાણવા જેવી છે. તેઓએ અર્થશાસ્ત્રમાં વિસ્કોન્સિન મેડીસન યુનિ.માંથી ઇકોનોમિકમાં માસ્ટર્સ ડીગ્રી મેળવી છે. હાવર્ડમાંથી તેઓ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ ડીગ્રી સાથે ઉત્તીર્ણ થાય હતા. વોંગનાં લગ્ન લૂ ત્ઝે લૂઈ સાથે થયાં છે. બંનેને વડાપ્રધાન મોદી પ્રત્યે ઘણું માન છે.