– બીએસએફએ પાક.ને તેની જ ભાષામાં જવાબ આપ્યો
– રાજસ્થાનની પાક. સરહદે ઝડપાયેલો પાક. રેન્જર જાસૂસી કરતો હતો, પંજાબમાંથી પણ બે જાસૂસની ધરપકડ
– ભારતીય જવાન ૧૫ દિવસથી પાક.ની કસ્ટડીમાં, છોડવાની વિનંતી છતાં કોઇ જવાબ નહીં
નવી દિલ્હી: પાકિસ્તાને બીએસએફના જવાનનું અપહરણ કરી લીધુ હતું, આ ભારતીય જવાન ૧૫ દિવસથી પાક. સેનાની કસ્ટડીમાં છે. એવામાં હવે પાક.ને તેની જ ભાષામાં જવાબ આપવા ભારતીય સેનાએ એક પાકિસ્તાની સૈનિકની સરહદેથી ધરપકડ કરી દીધી છે. આ પાકિસ્તાની રેન્જર ઉપરાંત બે જાસૂસોની પણ ધરપકડ કરાઇ છે.
સુત્રોએ જણાવ્યું હતું કે આ પાકિસ્તાની રેન્જરની જાસૂસીના આરોપ હેઠળ રાજસ્થાન સરહદેથી બીએસએફ દ્વારા ધરપકડ કરાઇ હતી. પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને બીએસએફના જવાન પુર્ણમ કુમારની ૨૩મી એપ્રીલે પાક. સેનાએ ધરપકડ કરી હતી. જેને પરત સોંપવા માટે બીએસએફ દ્વારા અનેક રજુઆતો કરાઇ હતી. જોકે પાક. સેનાએ કોઇ જ જવાબ નથી આપ્યો અને આ જવાન ૧૫ દિવસથી પાક. સેનાની કસ્ટડીમાં છે. પાક.ની આ અવળચંડાઇ વચ્ચે હવે બીએસએફએ રાજસ્થાન સરહદેથી પાકિસ્તાની સૈનિકની ધરપકડ કરી લીધી છે અને તેની હાલ પૂછપરછ કરાઇ રહી છે. જ્યારે બીજી તરફ પંજાબની પાકિસ્તાન સરહદે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને બે શંકાસ્પદ જાસૂસોની ધરપકડ કરવામાં આવી હતી. આ બન્ને જાસૂસો પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યા હોવાનો આરોપ છે. અમૃતસર ગ્રામીણ પોલીસે સ્થાનિક પલક શેર મસીહ અને સૂરજ મસીહ નામના બે શંકાસ્પદોની ધરપકડ કરી હતી. બન્નેના સંબંધ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ સાથે હોવાનું ખુલ્યું છે. હાલ બન્નેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.