National Herald Case : દિલ્હીની એક કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધની સુનાવણી ટાળી નવી તારીખ આપી છે. દલીલ વખતે સહ-આરોપીને ગુરુવારે ઈ-મેઈલ દ્વારા નોટિસ મોકલાઈ હોવાથી નવી તારીખ માંગવામાં આવી હતી. બીજીતરફ ફરિયાદી દ્વારા ચાર્જશીટની નકલની માંગ કરાઈ હતી, પરંતુ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો પક્ષ સાંભળ્યા બાદ જ નિર્ણય લેવાનું યોગ્ય માન્યું છે. તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોંગ્રેસ આગામી સુનાવણી 21 અથવા 22 મેએ હાથ ધરવાનો નિર્ણય લીધો છે.
સહ-આરોપીને ઈ-મેઈલથી નોટિસ મોકલાવી હોવાથી નવી તારીખ મગાઈ
મળતા અહેવાલો મુજબ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે (8 મે) નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ મામલામાં સામેલ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગનેએ દલીલ કરી હતી કે, મામલાના સહ-આરોપી સામ પિત્રોડાને ગુરુવારે ઈ-મેઈલ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે, તેથી સુનાવણી માટે નવી તારીખ આપવામાં આવે.. બીજીતરફ ફરિયાદી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી તરફથી આવેલા વકીલે ચાર્જશીટની નકલ આપવાની માંગ કરી હતી, જેના પર કોર્ટે કહ્યું કે, આ મામલે ઈડીનો પક્ષ સાંભળ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.
અગાઉ કોર્ટે મામલા સામેલ લોકોને નોટિસ પાઠવી હતી
ઉલ્લેખનીય છે કે, કોર્ટે આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો પક્ષ સાંભળવા માટે નોટિસ પાઠવી હતી. આ સાથે કોંગ્રેસ નેતા પિત્રોડા, સુમન દુબે, સુનીલ ભંડારી, યંગ ઈન્ડિયન વ ડોટેક્સ મર્ચેડાઈઝ પ્રાઈવેટ લિમિટેડને પણ નોટિસ પાઠવવામાં આવી હતી. વાસ્તવમાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી, જેને મેજિસ્ટ્રેટ કોર્ટે 26 જૂન-2014ના રોજ ધ્યાને લીધી હતી. ત્યારબાદ આ મામલો ઈડી સમક્ષ પહોંચતા 2021થી તપાસ શરૂ કરી.
આ પણ વાંચો : લાહોરમાં અમેરિકન નાગરિકોને સુરક્ષિત સ્થળે જતાં રહેવા ટ્રમ્પનો નિર્દેશ
કેસમાં અનેક રાજકીય હસ્તીઓના નામ : ઈડી
ઈડીએ કહ્યું હતું કે, આ કેસમાં અનેક રાજકીય હસ્તીઓના નામ છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિવંગત કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિઝ, સુમન દુબે, સામ પિત્રોડા અને એક ખાનગી કંપની યંગ ઈન્ડિયન સામેલ છે. આ કેસમાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સંબંધીત બે હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને છેતરપિંડી દ્વારા હસ્તગત કરવાનો મની લોન્ડ્રિંગનો મામલો સામેલ છે. ગાંધી પરિવાર પાસે યંગ ઈન્ડિયનના સૌથી વધુ શેર છે, જેમાં તમામ પાસે 38 ટકા શેર છે.
શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. તે સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક હતું, તે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJL દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 2008માં નાણાકીય કટોકટી પછી આ અખબાર બંધ થઈ ગયું હતું અને અહીંથી આ વિવાદ શરૂ થયો હતો. 2010માં યંગ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (YIL) નામની એક કંપનીની રચના કરવામાં આવી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 38-38% હિસ્સો છે. આ કેસમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં આરોપ મૂક્યો હતો કે YIL એ AJLની 2000 કરોડ રૂપિયાથી વધુની મિલકતો માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી. તેમની વિરૂદ્ધ છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ કરવાની માગ કરી હતી.
આ પણ વાંચો : ભારત-બાંગ્લાદેશ સરહદ સીલ, ઘૂસણખોરીની ઘટના બાદ સુરક્ષા વધારાઈ, હિલ્સ અને કછારમાં બે મહિના સુધી રાત્રી કર્ફ્યૂ