ટ્રમ્પની કાશ્મીર મુદ્દે પણ મધ્યસ્થીની દરખાસ્ત
ટ્રમ્પની દરખાસ્ત ભારતે ફગાવી હતી, પાક. કંઈ પણ કરશે તો ગોળીનો જવાબ ગોળાથી અપાશે : પીએમ મોદીની જેડી વેન્સને સ્પષ્ટ વાત
નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદુર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિમાં મધ્યસ્થી કરીને યુદ્ધ વિરામ કરાવ્યો હતો. આ સફળતાથી પ્રોત્સાહિત થઈને ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘૧૦૦૦ વર્ષ’ જૂના કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા પણ મધ્યસ્થી કરવાની દરખાસ્ત કરી હતી. પરંતુ ભારતે ટ્રમ્પની દરખાસ્ત ફગાવીને અમેરિકન પ્રમુખને રોકડું પરખાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતને કોઈની મધ્યસ્થતાની જરૂર નથી. વધુમાં ભારત માત્ર પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ક્યારે ખાલી કરાશે તે મુદ્દે જ ચર્ચા કરશે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા પછી ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સૈન્ય કાર્યવાહીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, શનિવારે અચાનક અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. ટ્રમ્પની જાહેરાત પછી ભારત અને પાકિસ્તાને સત્તાવાર રીતે તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ જાહેર કર્યો હતો.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લેવાનો પ્રયત્ન કરતા રવિવારે ટ્વીટ કરી હતી. આ સફળતાથી પ્રોત્સાહિત થઈ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા માટે પણ દરખાસ્ત કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી યુદ્ધવિરામ સમજૂતી પર ટ્રમ્પે રવિવારે તેની પોસ્ટમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંનેનું નેતૃત્વ ખૂબ જ મજબૂત છે. મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અટૂટ નેતૃત્વ પર ગર્વ છે. તેમણે એ સમજવાની શક્તિ બતાવી કે વર્તમાન લડાઈ રોકવી જરૂરી હતી. તેનાથી લાખો લોકોના જીવ બચી શક્યા છે. તમારા બહાદુર કાર્યોથી તમારો વારસો વધુ મજબૂત થશે. અમેરિકાને આ ઐતિહાસિક નિર્ણયમાં મદદ કરવા બદલ ગર્વ છે. અમેરિકા બંને દેશો સાથે વેપારને આગળ વધારશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ભારત અને પાકિસ્તાન સાથે મળીને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. કદાચ ૧,૦૦૦ વર્ષ પછી આ સમસ્યાનો કોઈ ઉકેલ નીકળી આવે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનના નેતૃત્વને અભિનંદન આપતા કહ્યું, ભગવાન ભારત અને પાકિસ્તાનના નેતૃત્વને આશીર્વાદ આપે. તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. ટ્રમ્પ અગાઉ પણ કાશ્મીર મુદ્દો ‘૧૫૦૦ વર્ષ’ જૂનો હોવાનું ગણાવવાની ભૂલ કરી ચૂક્યા છે. ટ્રમ્પે આ પહેલાં પણ અનેક વખત કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની ઓફર કરી હતી.
ટ્રમ્પની આ ટ્વીટથી ભારતમાં રાજકીય હોબાળો મચી ગયો હતો. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પની દરખાસ્ત ધરાર ફગાવી દીધી હતી. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે, કાશ્મીર મુદ્દે ભારતનું વલણ એકદમ સ્પષ્ટ છે. તેમાં કોઈ ત્રીજા પક્ષની દખલ સ્વીકાર્ય નથી. એટલું જ નહીં ભારત પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પાકિસ્તાન ખાલી ક્યારે કરે છેમાત્ર એ બાબત પર જ વાતચીત કરવા તૈયાર છે. આ સિવાય અન્ય કોઈ મુદ્દા પર વાતચીતની કોઈ શક્યતા જ નથી અને અમે ટ્રમ્પ જ નહીં કોઈની પણ મધ્યસ્થીની સ્વીકારતા નથી.