Maharashtra News : ભારતીય સેનાની ત્રણેય પાંખોએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાબાદ વળતો જવાબ આપ્યો છે. સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો, જે હવે અટકી ગયો છે. હવે આ મામલે શિવસેના યુબીટીએ મોદી સરકાર નિશાન સાધ્યું છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ને અટકાવતા શિવસેના યુબીટીએ વીર સાવરકરનો ઉલ્લેખ કરીને મુખપત્ર સામના આકરા પ્રહારો કર્યા છે.
‘ટ્રમ્પે ખેલ બગાડી દીધો’
શિવસેના યુબીટી (Shiv Sena UBT)એ કહ્યું કે, કેન્દ્ર સરકારે સૈન્ય કાર્યવાહી અટકાવીને હિન્દુત્વ વિચારધારક વી.ડી.સાવરકરના અખંડ ભારતના સપનાને પુરું કરવાની તક ગુમાવી દીધી છે. પાર્ટીએ મુખપત્ર ‘સામના’ના તંત્રી લેખમાં કહ્યું છે કે, ‘જો સેનાની આ કાર્યવાહી વધુ ચાર દિવસ ચાલી હોત તો ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના કબજામાં રહેલા કશ્મીર (PoK), કરાચી અને લાહોર પર કબજો કરી લીધો હોત, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખેલ બગાડી દીધો.’
‘સાવરકરે અવિભાજિત ભારતનું સ્વપ્ન જોયું હતું’
સામનામાં વધુમાં કહેવાયું છે કે, ‘લશ્કરી કાર્યવાહી બંધ કરતા પહેલા ભારતે ઓછામાં ઓછું PoK પાછું મેળવી લેવું જોઈતું હતું અને બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરી દેવું જોઈતું હતું. સાવરકરે PoKથી રામેશ્વરમ અને સિંધથી આસામ સુધી વિસ્તરેલા અવિભાજિત ભારતનું સ્વપ્ન જોયું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને તેમની સરકારે સાવરકરના અખંડ ભારતના સ્વપ્નને વાસ્તવિકતા બનાવવાની તક ગુમાવી દીધી.’
આ પણ વાંચો : ‘પાકિસ્તાન PoK ખાલી કરે, ત્રીજો દેશ જમ્મુ-કાશ્મીરમાં દખલ ન કરે’ કાશ્મીર મુદ્દે ભારતનો વિશ્વને જવાબ
‘PM મોદીને સાવરકરના નામે રાજનીતિ કરવાનો અધિકાર નથી’
લેખમાં કહેવાયું છે કે, ‘હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાવરકરના નામે રાજનીતિ કરવાનો અધિકાર નથી. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એકનાથ શિંદે (Eknath Shinde)ના નેતૃત્વ હેઠળની શિવસેના તમામ અખંડ ભારતના સમર્થક છે, જોકે જ્યારે સપનું સાકાર કરવાનો સમય આવ્યો તો તેઓ પાછળ હટી ગયા.’
ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠડ પાકિસ્તાનમાં આતંવાદીઓ સહિતના અનેક ઠેકાણાને નષ્ટ કરી નાખ્યા છે. સેનાએ 7થી 10 મે સુધી કરેલી કાર્યવાહી બાદ બંને દેશો ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી અટકાવવા પર સંમત થયા છે. સરહદ પર ચાર દિવસ સુધી ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ બંને દેશો સંપૂર્ણ યુદ્ધ વિરામ તરફ આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો : ભારત સાથે અબજોનો વેપાર છતાં પાકિસ્તાનની પડખે કેમ ઊભું થયું અઝરબૈજાન? લોકો કરી રહ્યા છે બૉયકોટની માંગ