Female Lawyer Reservation: સુપ્રીમકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે ગુજરાત રાજયમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન સહિત રાજયના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિ (એકઝીકયુટિવ કમિટી)માં મહિલા વકીલો માટે 30 ટકા અનામત રાખવા હુકમ કર્યો છે. સાથે સાથે તમામ બાર એસોસિએશનમાં ખજાનચીના મહત્ત્વનું પદ પણ મહિલા વકીલ માટે જ અનામત રાખવા પણ હુકમ કર્યો છે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વરસિંહની ખંડપીઠે ગુજરાતના વિવિધ બાર એસોસિએશન અને ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીઓમાં મહિલા વકીલો માટે 33 ટકા અનામત રાખવા માંગણી કરતી પિટિશનમાં આ આદેશ કર્યો હતો.
મહિલાઓને મળશે પૂરતું પ્રતિનિધિત્વ
નોંધનીય છે કે, ગુજરાત બાર કાઉન્સીલ અને બાર કાઉન્સીલ ઑફ ઈન્ડિયામાં મહિલા વકીલો માટે 33 ટકા અનામત મામલે પાછળથી વિચારણા કરવાનું જણાવી સુપ્રીમકોર્ટે આ પિટિશનનો નિકાલ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટની મહિલા વકીલ મીના જગતાપ દ્વારા સુપ્રીમકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં ગુજરાત રાજ્યના વિવિધ બાર એસોસિએશન અને ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીમાં મહિલાઓ માટે યોગ્ય કે પૂરતી અનામત રાખવામાં આવતી નથી. ખરેખર બંધારણમાં મહિલાને પણ સમાન અધિકાર આપવામાં આયા છે, તેમ છતાં મહિલાઓ પરત્વે ઉપેક્ષાભર્યું વલણ દાખવવામાં આવે છે. સુપ્રીમકોર્ટ સંબંધિત ચુકાદા મુજબ, 33 ટકા અનામતની જોગવાઈનો લાભ અપાતો નથી.
આ પણ વાંચોઃ આંદામાનમાં ચોમાસાનું આગમન: કેરળમાં 27મીનો વરતારો, ચોમાસુ 5 દિવસ વહેલું બેઠું
બંધારણનું ઉલ્લંઘન
વળી, વિવિધ બાર એસોસિએશન અને બાર કાઉન્સીલમાં મહિલાઓ માટે અનામત નહીં રાખવાથી ભારતના બંધારણની કલમ-14, 15 અને 16નો પણ ભંગ થાય છે.
ખાસ કરીને મહિલાઓ પ્રત્યેના તમામ પ્રકારના ભેદભાવ દૂર કરવાના પ્રયાસો થાય તે જરૂરી છે. બીજીબાજુ, ગુજરાત રાજયમાં મહિલા વકીલોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને તેઓ એડવોકેટ તરીકે નોંધણી કરાવી આગળ આવી રહી છે, ત્યારે વિવિધ બાર એસોસિએશન અને ગુજરાત બાર કાઉન્સીલમાં જૂદા-જૂદા હોદાઓ પર મહિલાઓનું પ્રતિનિધિત્વ નહીવત્ છે.
આ પણ વાંચોઃ ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેના ફાયદા
વાજબી અનામત અનિવાર્ય
સુપ્રીમ કોર્ટે સુપ્રીમકોર્ટ બાર એસોસીએશન, દિલ્હી, કર્ણાટક, બેગ્લુરુ સહિતના બાર એસોસિએશનના કેસમાં મહિલા વકીલો માટે અનામત રાખવા અંગેના હુકમો જારી કરેલા છે. તેથી ગુજરાત રાજયના કિસ્સામાં પણ મહિલા વકીલો માટે પૂરતી, યોગ્ય અને વાજબી અનામત રાખવામાં આવે તે અનિવાર્ય છે. તમામ રજૂઆત સાંભળ્યા બાદ સુપ્રીમકોર્ટે અનામત ફરજિયાત રાખવાનો હુકમ કર્યો હતો.