વડોદરા, ૧૮ વર્ષના લગ્નજીવન દરમિયાન પત્ની અને અન્ય સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવકે આપઘાત કરી લીધો હતો. આ ગુનામાં બાપોદ પોલીસે પત્ની સહિત ચારની ધરપકડ કરી છે.
આજવા રોડ ઓલ્વીન રેસિડેન્સીમાં રહેતા રાહુલ વિજયભાઇ મારૃના લગ્ન ફેબુ્રઆરી – ૨૦૦૭ માં ભરત બાબુભાઇ સોનીની પુત્રી પૂજા સાથે થયા હતા. લગ્નના ૧૮ મહિના સુધી પત્નીના ત્રાસથી કંટાળીને રાહુલે આપઘાત કરી લીધો હતો. પી.એમ. રિપોર્ટ અને અંતિમ ચિઠ્ઠી મળ્યા પછી પોલીસે આ અંગે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, રાહુલે આપઘાત માટે સોડિયમ નાઇટ્રેટ ઓનલાઇન મંગાવ્યું હતું. જોકે, તેણે ક્યારે અને કયા પોર્ટલ પરથી મંગાવ્યું ? તે હજી જાણી શકાયું નથી. દરમિયાન પોલીસે આ ગુનામાં રાહુલની પત્ની પૂજા (રહે.ઓલ્વીન રેસિડેન્સી) (૨)સાળા વિપુલ ભરતભાઇ સોની (૩)સાસુ લતાબેન ભરતભાઇ સોની તથા (૪) ખુશ્બુ વિપુલભાઇ સોની ( તમામ રહે. પ્રકાશનગર સોસાયટી,કારેલીબાગ)ની ધરપકડ કરી છે.