India Pakistan tension : પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન તથા પીઓકેમાં આતંકવાદી અડ્ડા પર ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરી હતી. જે બાદ પાકિસ્તાની સરકાર અને સેનાએ ભારત પર હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનના અનેક એરબેઝ તબાહ કરી નાંખ્યા. હાલ બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામનો નિર્ણય લેવાયો છે, જોકે હવે સરકાર વિશ્વ સામે પાકિસ્તાનનો નાપાક ચહેરો ઉઘાડો પાડવા માટે નવી નીતિ પર કામ કરી છે.
કેમ વિદેશ જશે ભારતના સાંસદો?
મીડિયા અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર વિવિધ દેશોમાં ભારતના સાંસદોનું પ્રતિનિધિમંડળ મોકલશે. આ પ્રતિનિધિમંડળમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો સામેલ હશે. પ્રતિનિધિમંડળનો મુખ્ય ઉદ્દેશ્ય વિદેશોમાં જઈને પાકિસ્તાનનો ઉઘાડું પાડવાનું રહેશે. જાણકારી અનુઆર કેન્દ્ર સરકાર આ મામલે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે વાતચીત કરી રહી છે અને આગામી સમયમાં તેની સત્તાવાર જાણકારી આપવામાં આવશે.
નોંધનીય છે કે આ પ્રતિનિધિમંડળ દ્વારા દુનિયાના દેશોને જાણકારી અપાશે કે કઈ રીતે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદના કારણે ભારતના માસૂમ નાગરિકોએ જીવ ગુમાવવા પડે છે. તથા ભારતે આખરે કેમ ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહી કરવાની નોબત આવી તેનાથી પણ દુનિયાને અવગત કરાવાશે. આટલું જ નહીં દુનિયાના દેશોને એ પણ સંદેશો અપાશે કે જો ભવિષ્યમાં ભારત પર કોઈ પણ પ્રકારના હુમલાનો પ્રયાસ કરાયો તો ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહી ફરી કરાશે.
નોંધનીય છે કે અગાઉ નરસિમ્હા રાવની સરકારમાં પણ આ જ રીતે સાંસદોનું પ્રતિનિધિમંડળ યુએન મોકલવામાં આવ્યું હતું જ્યાં વિપક્ષમાં બેસનારા અટલ બિહારી વાજપાયીએ ભારતનો પક્ષ મૂક્યો હતો.