મુંબઈ: અમેરિકાની ટેરિફ નીતિ તથા વૈશ્વિક વેપારમાં ખલેલનો સામનો કરવા માટે અન્ય ઊભરતા દેશોની સરખામણીએ ભારત સારી રીતે સજ્જ છે. ઘરઆંગણે વિકાસના મજબૂત ચાલકબળો અને માલસામાનની નિકાસ પર ઓછી નિર્ભરતા ભારતનું જમા પાસુ છે એમ મૂડી’સ રેટિંગ્સના રિપોર્ટમાં જણાવાયું હતું.
ખાનગી ઉપભોગમાં વધારો કરવાના પગલાં, ઉત્પાદન ક્ષમતામાં વિસ્તરણ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટસમાં વધારા જેવી સરકારની પહેલો વૈશ્વિક માગમાં નબળાઈ સામે ટકી રહેવામાં દેશના અર્થતંત્રને ટેકારૂપ બની રહેશે.
ફુગાવામાં ઘટાડો વ્યાજ દર નીચે લઈ જવાનો માર્ગ મોકળો કરશે જેથી વિકાસને વધુ ટેકો મળશે. બેન્કિંગ ક્ષેત્રમાં પૂરતી માત્રામાં લિક્વિડિટી ધિરાણ માટે સાનુકૂળ બની રહેશે.
દેશનું જંગી ઘરેલુ અર્થતંત્ર અને વૈશ્વિક વેપાર પર મર્યાદિત નિર્ભરતાએ ભારતને બહારી આંચકા ગ્રહણ કરવા મજબૂત સ્થિતિમાં મૂકયું છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંઘર્ષથી ભારત કરતા પાકિસ્તાનના અર્થતંત્ર પર વધુ પ્રતિકૂળ અસર પડી શકે છે. ભારતના મુખ્ય આર્થિક મથકો આ સંઘર્ષથી ઘણાં દૂર હતા અને દ્વીપક્ષી આર્થિક જોડાણો મર્યાદિત રહ્યા છે.
જો કે સંઘર્ષ લાંબો ચાલશે તો, ભારતના સંરક્ષણ પાછળના ખર્ચમાં વધારો જોવા મળી શકે છે જે રાજકોષિય શિસ્તતાના પ્રયાસોને ધીમા પાડશે અને સરકારની નાણાં સ્થિતિ પર દબાણ આવશે.
અમેરિકામાં મોટી નિકાસ ધરાવતા ક્ષેત્રો ખાસ કરીને ઓટો ક્ષેત્ર પર વૈશ્વિક વેપાર પડકારોની અસર જોવા મળી શકે છે. આમછતાં ભારતનું મજબૂત સેવા ક્ષેત્ર તથા ઘરેલુકેન્દ્રીત અર્થતંત્ર મજબૂત ટેકાનું કામ કરી રહ્યું છે.
રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કર્યા બાદ અમેરિકાએે તેનો અમલ ૯૦ દિવસ માટે મોકૂફ રાખ્યો છે.