મુંબઈ : પહલગામ હુમલા બાદ ભારત તથા પાકિસ્તાન વચ્ચે વધેલી તાણને કારણે ભારતની સરખામણીએ પાકિસ્તાનમાં યુદ્ધના ભણકારાંથી જ વધુ ગભરાટ ફેલાઈ રહ્યો હોવાનું પાકિસ્તાન તથા ભારતના શેરબજારની સ્થિતિની સરખામણી પરથી પણ કહી શકાય એમ છે.
૨૨ એપ્રિલના પહલગામ હુમલા બાદ ભારત તરફથી જોરદાર કાર્યવાહી શરૂ થવાના રોજેરોજ મળી રહેલા સંકેતોની અસરથી પાકિસ્તાનના કરાચી શેરબજારનો ઈન્ડેકસ કેએસઈ-૧૦૦ અત્યારસુધીમાં ચાર ટકા તૂટી ગયો છે જ્યારે ભારતના બેન્ચમાર્ક ઈન્ડેસક સેન્સેકસમાં ૧.૫૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
કેએસઈ-૧૦૦ ઈન્ડેકસ ૧૧૩૮૬૦ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે બીએસઈ સેન્સેકસ ૮૦૬૪૦ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સંપૂર્ણ સ્તરનું યુદ્ધ શરૂ થયું નથી તે પહેલા જ પાકિસ્તાનનું શેરબજાર ડામાડોળ થવા લાગ્યું છે જ્યારે યુદ્ધની સ્થિતિમાં શું થશે તે સમજી શકાય એમ છે એમ એક સ્થાનિક વિશ્લેષકે જણાવ્યું હતું.
આમ બન્ને દેશોના રોકાણકારોમાં વિશ્વાસ અને આર્થિક સ્થિતિસ્થાપકતામાં એકદમ વિરોધાભાષી ચિત્ર જોવા મળી રહ્યું છે.
વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડી’સના ગઈકાલે આવેલા એક રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન તાણથી પાકિસ્તાનનો વિકાસ દબાણ હેઠળ આવી જવાની અને રાજકોષિય શિસ્તતા લાવવાના કાર્યક્રમોમાં અવરોધ ઊભા થવાની શકયતા રહેલી હોવાનું જણાવાયું હતું.
બીજી બાજુ ભારતમાં મજબૂત જાહેર ઈન્વેસ્ટમેન્ટ તથા તંદૂરસ્ત ખાનગી ઉપભોગ વચ્ચે વિકાસના ઊંચા સ્તર સાથે ભારતની બૃહદ્ આર્થિક સ્થિતિ સ્થિર રહેવાની અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.
૨૦૦૧માં સંસદ પરના હુમલાને બાદ કરતા પાકિસ્તાન સાથેની તંગદિલીના સમયમાં ભારતના શેરબજારોમાં કયારેય બે ટકાથી વધુ કરેકશન જોવા મળ્યું નહીં હોવાનું એક બ્રોકરેજ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પણ ભારતમાં મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જે કટોકટીને હાથ ધરવાની ભારતની ક્ષમતા પર આંતરરાષ્ટ્રીય રોકાણકારોનો વિશ્વાસ દર્શાવે છે.