Kunal Kamra Controversy : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કટાક્ષભર્યો વીડિયો બનાવનાર સ્ટેન્ડઅપ કોમેડિયમ કુણાલ કામરા વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે પહેલા કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મુદ્દે મુંબઈ પોલીસ અધિકારીઓએ તેનો ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ હવે ખાર પોલીસે તેને નોટિસ મોકલીને પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યું છે.
ખાર પોલીસે કુણાલ કામરાને તેના ઘરે સમન્સ મોકલ્યું છે. કુણાલ હાલ મુંબઈમાં નથી, તેથી કૃણાલના પિતાને સમન્સ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે કુણાલને વોટ્સએપ દ્વારા સમન્સ મોકલીને પૂછપરછ માટે તપાસ અધિકારી સમક્ષ હાજર થવા જણાવ્યું છે.
વીડિયો વાયરલ થતાં જ શિવસૈનિકો ભડક્યા
જોકે આ વીડિયો સામે આવતાં જ એકનાથ શિંદેની સેનાના શિવસૈનિકો ભડક્યા હતા અને તેમણે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. સોમવારે BMC અધિકારીઓની ટીમે મુંબઈમાં હેબિટેટ સ્ટુડિયોનો એક ભાગ તોડી પાડ્યો હતો. આ સ્ટુડિયોમાં જ કામરાએ વિવાદાસ્પદ શૉનું રેકોર્ડિંગ કર્યું હતું.
જાણો શું છે આખો મામલો
પોતાની હાજરજવાબી શૈલી અને કોમેડીથી લોકોને હસાવનાર કુણાલ કામરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર દિલ તો પાગલ હૈ ગીતની પૅરોડી કરીને રજૂ કરી હતી. જેમાં શિંદેને ગદ્દાર કહીને સંબોધ્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો.
આ પણ વાંચો: કર્ણાટકમાં મુસ્લિમોને અનામત મુદ્દે સંસદમાં ભારે હોબાળો, કાર્યવાહી સ્થગિત
કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી
આ વીડિયો વાયરલ થતાં જ શિવસેના(શિંદે જૂથ)ના નેતાઓ ગુસ્સે થઈ ગયા હતા અને રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં સ્થિત સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. શિવસૈનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અહીં શૂટ કરવામાં આવ્યો છે. દરમિયાન શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે કુણાલ કામરા વિરુદ્ધ MIDC પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.