મુંબઈ : સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલીને પગલે ક્રિપ્ટો કરન્સીસ માર્કટમાં સતત રેલી જોવા મળી રહી છે. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને છેલ્લા ચોવીસ કલાકમાં ૧૧૧૮૭૮ ડોલર સાથે નવી ટોચ બતાવી હતી. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં બિટકોઈને ૧,૦૯,૧૧૪ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટી બતાવી હતી.
સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ ટ્રેડરો ઉપરાંત લિસ્ટેડ કંપનીઓ બિટકોઈનને ટ્રેઝરી એસેટ તરીકે ગણી રહ્યા છે અને મૂડી બજારમાંથી નાણાં ઊભા કરી બિટકોઈનમાં રોકાણ કરી રહ્યા છે.
બિટકોઈનનો હાલનો ઉછાળો મોટા સંસ્થાકીય રોકાણકારોને આભારે જોવા મળી રહ્યો હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું. આ ઉપરાંત સ્પોટ બિટકોઈન ઈટીએફસમાં પણ ઈન્ફલોસ ચાલુ રહેતા બિટકોઈનમાં ફન્ડોની પણ ખરીદી નીકળી રહી છે. મંગળવારે સ્પોટ બિટકોઈન ઈટીએફસમાં ૪.૧૭ કરોડ ડોલરનો ઈન્ફલોસ જોવા મળ્યો હતો. બજારના વર્તુળોના મત પ્રમાણે ક્રિપ્ટોકરન્સીસ માર્કેટ હાલમાં કન્સોલિડેશન તબક્કામાં છે.
જેપી મોર્ગન ચેઝે પણ પોતાના કલાયન્ટસને બિટકોઈન મેળવી આપવાની ઓફર આપવાનું શરૂ કર્યું હોવાના અહેવાલો છે. અમેરિકાની મોટી બેન્ક તરીતે જેપીની આ કથિત ઓફર બિટકોઈનની કાયદેસરતાને મજબૂત બનાવી શકે છે.
બોન્ડ યીલ્ડમાં વધારો, ભૌગોલિકરાજકીય તાણ અને અમેરિકાના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો છતાં બિટકોઈને સારી સ્થિતિસ્થાપકતા દર્શાવી છે.બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ એથરમ, એકસઆરપી, બીએનબી, સોલાનામાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
બિટકોઈન છેલ્લા ચોવીસ કલાકમાં નીચામાં ૧૦૬૩૪૩ ડોલર થઈ મોડી સાંજે ૧૧૦૮૯૩ ડોલરની સપાટીએ વેપાર થતો હતો. આ ઉપરાંકત એથરમે પણ ૨૬૦૦ ડોલરની સપાટી કુદાવી હતી. ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ પણ વધી ૩.૫૦ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી.
અમેરિકાની સેનેટે સ્ટેબલકોઈન માર્કેટ પર નિયમન માટેની જોગવાઈ ધરાવતા ખરડાને આગળ વધાર્યો છે. આ ખરડો મંજુર થવાના કિસ્સામાં ક્રિપ્ટો માટેના નિયમનમાં જરૂરી સ્પષ્ટતા આવી જશે જે ક્રિપ્ટો માર્કેટ માટે સાનુકૂળ સ્થિતિ ગણાશે.