Former Governor Satyapal Malik Case : CBIએ તાજેતરમાં એક મોટી કાર્યવાહી કરી જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ કિરુ હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત 2200 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર અંગે દાખલ થઈ છે. આ કૌભાંડની તપાસ લાંબા સમયથી ચાલી રહી હતી અને હવે CBIએ તેના રિપોર્ટમાં મલિકનું નામ ઉમેરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
હું છેલ્લા લગભગ બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ : મલિક
આ સમગ્ર વિવાદ વચ્ચે મલિક હાલમાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ છે. તેમણે હોસ્પિટલમાંથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટ લખીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, ‘હું છેલ્લા લગભગ બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છું અને બે દિવસ પહેલા જ CBIએ મારી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે, હું ખેડૂતનો પુત્ર છું અને સ્વર્ગસ્થ ચૌધરી ચરણ સિંહ દ્વારા સ્થાપિત સિદ્ધાંતોનું પાલન કરી રહ્યો છું.’
‘હું આ ચાર્જશીટથી ડરવાનો નથી’
મલિકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ આ ચાર્જશીટથી ડરવાના નથી. તેમણે પોતાને પ્રામાણિક ગણાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા, ત્યારે તેમણે પોતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ભ્રષ્ટાચાર વિશે જાણ કરી હતી. તેમણે આ ટેન્ડર પણ રદ કર્યું હતું, પરંતુ તેમના ટ્રાન્સફર પછી તે ફરીથી જારી કરવામાં આવ્યું હતું. મલિકે સીબીઆઈ અને ઈડી જેવી તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવતા કહ્યું, ‘જો તમે ખરેખર પ્રામાણિક છો તો દેશને જણાવો કે મારી મિલકત કેટલી વધી છે. જો તેમાં વધારો થયો નથી, તો ખોટા આરોપો ન લગાવો.’ તેમણે દાવો કર્યો કે, તેઓ હજુ પણ એક રૂમના ઘરમાં રહે છે અને દેવામાં ડૂબેલા છે.’
આ પણ વાંચો : વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર
કેન્દ્ર સરકાર પર કર્યો ગંભીર આક્ષેપ
મલિકે સીધા પીએમ મોદીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘મેં તમને જે ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી, તેની તપાસ ક્યાં સુધી પહોંચી છે? આજે મને જ કઠેડામાં ઉભો કરી દેવાયો છે.’ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ મને જૂઠો સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે અને દેશવાસીઓના મનમાં મારા વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે. હું આ સરમુખત્યાર સરકાર સામે સંપૂર્ણ પ્રમાણિકતા અને સત્યતા સાથે મજબૂત રીતે ઉભો છું.’
આ પણ વાંચો : વિદેશી વિદ્યાર્થીઓની જાણકારી આપો, ફંડ નહીં મળે: હાર્વર્ડ યુનિવર્સિટીને ફરી ટ્રમ્પની ધમકી