દિલ્હીમાં 49 ફ્લાઈટ ડાયવર્ટ, 200ને અસર
રાજસ્થાનમાં ધૂળના તોફાન-વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું, દિવાલ પડતાં બેનાં મોત
નવી દિલ્હી: દિલ્હીમાં રવિવારે વહેલી સવારે તીવ્ર પવન ફૂંકાવા અને ગાજ-વીજ સાથે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. કેટલાક કલાકોના વરસાદમાં દિલ્હીના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. આ સાથે દિલ્હીમાં મે મહિનામાં ૧૮૬.૨ મીમી વરસાદ સાથે ૧૭ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. ઉત્તર પ્રદેશમાં વિવિધ જિલ્લામાં વરસાદના કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા.
દિલ્હીમાં રવિવારે વહેલી સવારે મૂશળધાર વરસાદ થતાં મિન્ટો રોડ, એરપોર્ટ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દિલ્હીમાં સામાન્ય રીતે મે મહિનામાં તીવ્ર ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે દિલ્હીમાં વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો છે. આ વર્ષે દિલ્હીમાં મૂશળધાર વરસાદ થતાં ૧૭ વર્ષનો વિક્રમ તૂટયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રવિવારે સવારે દિલ્હીમાં ૮૧.૨ મીમી વરસાદ પડયો હતો. દિલ્હીમાં મે મહિનામાં કુલ ૧૮૬.૨ મીમી વરસાદ નોંધાયો છે, જેને પગલે વર્ષ ૨૦૦૮ના મે મહિનામાં ૧૬૫ મીમી વરસાદનો રેકોર્ડ તૂટયો હતો. રવિવારે વહેલી સવારે અનેક જગ્યાએ પાણી ભરાતા બીએમડબલ્યુ, મર્સિડીઝ સહિતની મોંઘી ગાડીઓ પાણીમાં ફસાઈ ગઈ હતી. વરસાદના કારણે દિલ્હીમાં ૧૭ આંતરરાષ્ટ્રીય સહિત ૪૯ ફ્લાઈટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી જ્યારે ૨૦૦થી વધુ ફ્લાઈટના શેડયુલ વિલંબમાં મુકાયા હતા.
ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ અને આંધી-તોફાને ભારે કેર વરસાવ્યો હતો. પશ્ચિમી ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં પ્રતિ કલાક ૫૦થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.જોકે, આ સમયમાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજસ્થાનમાં ધૂળના તોફાન અને વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. ખૈરથલ-તિજારા જિલ્લાના ભિવાડી શહેરમાં વરસાદના કારણે એક દિવાલ પડતાં માતા-પુત્રીનાં મોત નીપજ્યાં હતા જ્યારે પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ઉખડીને વીજલાઈન પર પડતાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો.