છૂટાછેડાના કેસ વચ્ચે તેજ પ્રતાપ 12 વર્ષના પ્રેમ સંબંધને જાહેર કરી ભરાયા
વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોનો ભંગ ન્યાય માટે સામૂહિક સંઘર્ષણના સિદ્ધાંતો નબળા પાડે છે, પુત્રનું વર્તન ઠીક નથી : લાલુ
પટના: રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે પોતાના પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાંથી કાઢી મુક્યા હતા, એટલુ જ નહીં પરિવાર સાથેનો તેજ પ્રતાપનો સંબંધ પણ તોડી નાખ્યો હતો. થોડા દિવસ પહેલા તેજ પ્રતાપ યાદવના સોશિયલ મીડિયા એકાઉન્ટર પર એક યુવતી સાથેની પોસ્ટ સામે આવી હતી, જેમાં તેજ પ્રતાપે લખ્યું હતું કે હું અને અનુષ્કા યાદવ ૧૨ વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. તેજ પ્રતાપની આ પોસ્ટ બાદ લાલુએ તેમને પક્ષ અને પરિવારમાંથી કાઢી મુક્યા હતા.
તાજેતરમાં તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે અનુષ્કા સાથેના ૧૨ વર્ષના પ્રેમનો અકરાર કર્યો હતો અને બન્નેની સાથેની તસવીર પણ જાહેર કરી હતી. તેજ પ્રતાપના લગ્ન ઐશ્વર્યા નામની યુવતી સાથે થયેલા છે અને બન્ને વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.
તેજ પ્રતાપે પરિણીત હોવા છતા અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ જાહેર કર્યો હતો જે બાદ લાલુ પ્રસાદ યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પુત્ર તેજ પ્રતાપને પક્ષ અને પરિવારમાંથી કાઢી મુકવાની જાહેરાત કરી હતી.
લાલુએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોનો ભંગ કરવાથી સામાજિક ન્યાય માટે સામૂહિક સંઘર્ષના મૂલ્યો નબળા પડે છે.
મોટા પુત્રનો વ્યવહાર અને પ્રવૃત્તિઓ, ગેરજવાબદારીભર્યું વર્તન પારિવારિક મૂલ્યોં અને સંસ્કારોને અનુકુળ નથી. આ પહેલા તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે હું તેજ પ્રતાપ યાદવ, મારી સાથે જે આ તસવીરમાં જે યુવતી છે તેનું નામ અનુષ્કા યાદવ છે, અમે બન્ને એકબીજાને ૧૨ વર્ષથી ઓળખીએ છીએ અને ખુબ પ્રેમ કરીએ છીએ.
અમે આ સમય દરમિયાન સંબંધમાં રહ્યા, હું ઘણા સમયથી તમને આ કહેવા માગતો હતો પરંતુ યોગ્ય શબ્દો નહોતા મળી રહ્યા, આજે મારી આ પોસ્ટ દ્વારા તમારી સમક્ષ દિલ ખોલી રહ્યો છું, આશા રાખુ તમે લોકો સમજી શકશો. જોકે વિવાદ વચ્ચે બાદમાં તેજ પ્રતાપની પોસ્ટ ડિલિટ થઇ ગઇ હતી અને તેમણે દાવો કર્યો હતો કે મારૂ એકાઉન્ટ હેક થઇ ગયું છે.
– પરિવારે રાજકીય લાભ માટે લગ્ન કરાવ્યા હતા : તેજ પ્રતાપે કહેલું
તેજ પ્રતાપ યાદવના ઐશ્વર્યા યાદવ સાથેના લગ્ન માત્ર છ મહિના ટક્યા હતા, વર્ષ ૨૦૧૮માં તેજ પ્રતાપે છૂટાછેડાની અરજી કરી હતી જેના બીજા દિવસે તેમણે મીડિયા સમક્ષ પોતાના પરિવાર સામે મોટુ નિવેદન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે હું લગ્ન માટે તૈયાર જ નહોતો, ઐશ્વર્યા અને હું બન્ને અલગ વિચારધારા અને પૃષ્ઠભૂમિમાંથી આવીએ છીએ, અમારી વચ્ચે કોઇ જ સુમેળ નથી, મારા પરિવારે રાજકીય લાભ અને પક્ષ માટેના લાભ માટે મારા લગ્ન કરાવ્યા હતા. મે મારા ભાઇ તેજસ્વી યાદવને પણ આ વાત કરી હતી, જોકે કોઇએ મારી વાત ના સાંભળી અને બળજબરીથી મારા લગ્ન કરાવ્યા હતા.