9/11 મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ આપી અમેરિકનોને આતંકવાદની યાદ અપાવી
પઠાણકોટ હુમલાની તપાસમાં જોડાવા પાક.ને આમંત્રણ આપી શાંતિનો સંદેશ આપ્યો, પણ હવે આતંકવાદ સહન નહીં કરીએ
નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનને ખુલ્લું પાડવા દુનિયાના દરેક ખૂણામાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો મોકલ્યાં છે, તેમાંનું એક જૂથ શશી થરૂરના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. થરૂરે અમેરિકનોને કહ્યું કે, ભારતે પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપિત કરવા અનેક પ્રયત્નો કર્યા છે, પરંતુ પાકિસ્તાન આતંકીઓને છાવરી રહ્યું છે. જોકે, પાકિસ્તાનમાં બેઠેલી કોઈપણ વ્યક્તિએ એ ગેરસમજ ના રાખવી જોઈએ કે તે ભારતમાં હુમલો કરીને બચી જશે. આવું કરનારા આતંકીઓએ તેની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનના કોઈપણ ખૂણામાં તે સુરક્ષિત નહીં રહે.
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે રવિવારે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પાસે ૯/૧૧ મેમોરિયલ પર સફેદ ગુલાબ સાથે ૯-૧૧ના આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપી હતી. આ સાથે તેમણે અમેરિકનોને આતંકવાદની પીડાની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે અમેરિકાએ ૯-૧૧ના આતંકી હુમલામાં જે સહન કર્યું છે તે આતંકવાદની પીડા અમે અનેક વખત સહન કરી છે. આતંકવાદ સામે લડવા માટે આખી દુનિયાએ એક થવું જોઈએ.
પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની નામ પૂછીને હત્યા કરવાના જધન્ય ગુના મુદ્દે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની સૈન્ય કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપતા થરૂરે જણાવ્યું હતું કે, ‘તમે બધા જાણો જ છો કે, હું સરકાર વતી કામ નથી કરતો, હું એક વિપક્ષી પાર્ટી માટે કામ કરું છું. પરંતુ મેં પોતે જ એક ‘ઓપ-એડ’ (એડીટોરિયલ પેઈજની સામેનું પાનું)માં લખ્યું હતું કે, હવે પ્રહાર કરવાનો સમય આવી ગયો છે. આ પ્રહાર હોંશિયારીથી કરવો જોઈએ.’ મને તે જાણીને આનંદ થયો કે ભારતે તે પ્રમાણે જ કર્યું છે.
પહલગામમાં આતંકી હુમલા પાછળના ઉદ્દેશ્ય અંગે થરૂરે કહ્યું કે, તેમનો ઈરાદો ભારતમાં હિન્દુ-મુસ્લિમોમાં વિભાજન કરાવવાનો હતો. ભારત સરકારે ૯ વિશેષ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઓળખી કઢાયેલા આતંકવાદી સ્થળો, આતંકવાદી સંગઠનોના મુખ્યાલયો અને આતંકીઓના લોન્ચ-પેડ્સ પર તિક્ષ્ણ અને ગણતરી પૂર્વકના હુમલા કર્યા.
પઠાણકોટ હુમલાને યાદ કરતા કોંગ્રેસ સાંસદ થરૂરે કહ્યું, ‘જાન્યુઆરી ૨૦૧૬માં પઠાણકોટ એરબેઝ પર હુમલો થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશ્ચર્ય થયું હતું, કારણ કે બે મહિના પહેલાં જ તેમણે પાકિસ્તાનની અચાનક મુલાકાત લઈને શાંતિનો સંદેશો આપ્યો હતો. ત્યાર પછી પણ પીએમ મોદીએ તેમને તપાસમાં જોડાવા આમંત્રણ આપ્યું. તેઓ આવ્યા, એરબેઝની મુલાકાત લીધી અને પાછા જતા રહ્યા અને કહ્યું આ બધું ભારતીયોએ પોતે જ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. પાકિસ્તાન આતંકવાદીઓ માટે તે ‘આશ્રય સ્થાન’ બની ગયું છે. આથી અમે કહ્યું, તમે આ જ કરતા રહેશો, તો તમને ઓપરેશન સિંદૂર જેવો જવાબ મળશે.