Personal Loan Pre-closure: આપણામાંના મોટા ભાગનાને કોઈને કોઈ સમયે પર્સનલ લોન લેવાની જરૂર પડે છે. પરંતુ વડીલો હંમેશા કહે છે કે દેવું ગમે તેટલું હોય, તે બોજ જેવું છે. તે શક્ય તેટલી વહેલી તકે દૂર કરવું જોઈએ. તેથી, પર્સનલ લોનનું પ્રિ-ક્લોઝર એ યોગ્ય નિર્ણય હોઈ શકે છે. પરંતુ આ પગલું ભરતાં પહેલા, કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તમને નુકસાન થઈ શકે છે.
પર્સનલ લોન પ્રિ-ક્લોઝર શું છે?
પ્રિ-ક્લોઝરનો અર્થ એ છે કે લોનની સંપૂર્ણ રકમ નિર્ધારિત સમય પહેલા ચૂકવવામાં આવે છે. જેમની પાસે પર્યાપ્ત ફંડ હોય અને તેઓ ઝડપથી દેવામાંથી છુટકારો મેળવવા માગતાં હોય તો તેઓ પ્રિ-ક્લોઝરનો વિકલ્પ અપનાવી શકે છે. પ્રિ-ક્લોઝર વ્યાજમાં બચત કરાવે છે. પ્રિ-ક્લોઝરના કારણે લોનની મુદત ઘટી જવાથી વ્યાજનો બોજો ઘટે છે. તદુપરાંત લોન વહેલા બંધ કરવાથી ક્રેડિટ સ્કોર પણ સુધારી શકાય છે, જે ભવિષ્યમાં સરળતાથી લોન મેળવવામાં મદદ કરશે.
સમય પહેલાં લોન ચૂકવવાના ફાયદા
જેટલી ઝડપથી લોન ચૂકવવામાં આવશે, એટલું ઓછું વ્યાજ ચૂકવવું પડશે. સમય પહેલા લોનની ચૂકવણી કરવાથી ક્રેડિટ સ્કોર મજબૂત બને છે. તેનાથી ભવિષ્યમાં લોન લેવાની ક્ષમતા વધે છે. વધુમાં માસિક EMIના બોજમાંથી વહેલા છુટકારો મળે છે. જેથી તમારું ભવિષ્યનું નાણાકીય આયોજન સુધરી શકે છે.
લોન પ્રિ-ક્લોઝરના ગેરફાયદા
ઘણી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ લોન પ્રિ-ક્લોઝર પર 2%થી 6% વધારાની ફી વસૂલે છે. જે તમારા વ્યાજની બચતમાં થતાં લાભમાં ઘટાડો કરી શકે છે. વધુમાં તમે જે રકમનો ઉપયોગ લોનની વહેલી ચૂકવણી માટે કરો છો, તેના બદલામાં તમે તે રકમ સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ અથવા અન્ય ઊંચા રિટર્ન આપતાં વિકલ્પોમાં રોકી હોત તો તમને કદાચ તમારા વ્યાજની ચૂકવણી કરતાં વધુ નફો મળ્યો હોત. પરંતુ આ વિકલ્પ પસંદ કરતી વખતે માર્કેટની સ્થિતિ તેમજ એનાલિસિસ જરૂરી છે. જો તમે લોનની ચૂકવણી કરવામાં મોટી રકમ ખર્ચો છો, તો ભવિષ્યમાં કોઈપણ કટોકટી અથવા રોકાણની તક માટે તમારી પાસે ઓછી રોકડ બચી શકે છે.
આરબીઆઇના નવા નિયમો અને તેની અસર
ભારતીય રિઝર્વ બૅન્કે (RBI) 21 ફેબ્રુઆરી 2025ના રોજ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ હેઠળ, એવું કહેવામાં આવ્યું છે કે ફ્લોટિંગ રેટ લોન પર પ્રિ-પેમેન્ટ ચાર્જ નાબૂદ કરવામાં આવશે. જો આ નિયમો લાગુ કરવામાં આવશે તો લોન લેનારાઓ માટે ઝડપથી લોનની ચૂકવણી કરવામાં સરળતા રહેશે. આરબીઆઇએ 21 માર્ચ, 2025 સુધીમાં લોકો અને સ્ટેક હોલ્ડર્સ પાસેથી આ પ્રસ્તાવ પર સૂચનો માંગ્યા હતા.
શું તમારે પર્સનલ લોન વહેલાં બંધ કરવી જોઈએ?
તમારી ભાવિ રોકડ જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા પણ તમારી પાસે વધારાનું ફંડ હોય તો તમારા માટે લોનનું પ્રિ-ક્લોઝર એક સારો વિકલ્પ બની શકે છે. પરંતુ તે પહેલાં ચાર્જ, વ્યાજની બચત, અન્ય રોકાણની તકો અને તમારી વર્તમાન નાણાકીય પરિસ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું મહત્ત્વપૂર્ણ છે.