– સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અભ્યાસનું અનુમાન
– ભારતમાં ચૂંટણી લોકતાંત્રિક પ્રક્રિયા ઓછી અને નાણાકીય યુદ્ધ વધારે હોય તે રીતે લડવામાં આવે છે
નવી દિલ્હી : ભારતીય રાજકારણમાં વોટ ફોર નોટ વરવી હકીકત બની ગયા છે. છેલ્લી ચૂંટણીમાં જ વોટ મેળવવા નોટ પાછળ રૂ. ૧.૩૫ લાખ કરોડનો ખર્ચ વિવિધ રાજકીય પક્ષોએ કર્યો હોવાનું માનવામાં આવે છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના એક અભ્યાસમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. આ બાજુ ચૂંટણીપંચના આંકડા મુજબં ૨૨ રાજકીય પક્ષો પાસે ચૂંટણી લડવા રૂ. ૧૮,૭૪૨.૩૧ કરોડની રકમ હતી.
ચૂંટણીપંચના જણાવ્યા મુજબ ટોચના રાજકીય પક્ષોએ ભેગા થઈને રુ. ૩,૮૬૧.૫૭ કરોડ ખર્ચ્યા છે. તેમા ભાજપે સૌથી વધુ ૧,૭૩૭.૬૮ કરોડની રકમ ખર્ચી છે. આ રકમ કુલ ખર્ચનો ૪૫ ટકાથી પણ વધુ હિસ્સો છે. આ પક્ષોને દાનના સ્વરૂપમાં ૭,૪૧૬.૩૧ કરોડ રુપિયા મળ્યા. ભાજપને તેમા ૮૪.૫ ટકા હિસ્સો મળ્યો. આમ સૌથી વધુ દાન ભાજપને મળ્યું.
મીડિયાએ પણ આ મામલે મોટી ભૂમિકા ભજવી છે. ચૂંટણી દરમિયાન મીડિયા જાહેરાતો પાછળ રુ. ૯૯૨.૪૮ કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા હતા. તેમા પ્રિન્ટ, ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ સામેલ છે. સોશિયલ મીડિયા અને વર્ચ્યુઅલ કેમ્પેઇન પર રૂ. ૧૯૬.૪૩ કરોડ રુપિયા ખર્ચવામાં આવ્યા હતા. ફક્ત સાત પક્ષોએ જ મીડિયા પાછળ કરેલા ખર્ચનો ખુલાસો કર્યો છે. સ્ટાર પ્રચારકોના પ્રવાસ પાછળ જ રૂ. ૮૩૦.૧૫ કરોડ રુપિયા ખર્ચાયા હતા. હેલિકોપ્ટર અને પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બેનર, પોસ્ટર અને હોર્ડિંગ પર લગભગ રુ. ૪૦૦ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.
આશ્ચર્યની વાત એ છે કે ચૂંટણી પછી પણ રાજકીય પક્ષો પાસે ૧૪,૮૪૮.૪૬ કરોડની રકમ વધેલી હતી. આ રૂપિયા ક્યાં ગયા. ચૂંટણી બાદ ભાજપ સહિત છ રાજકીય પક્ષો પાસે ચૂંટણી પહેલા હતા તેના કરતાં પણ વધારે રૂપિયા હતા. આવું કેવી રીતે બન્યું. આ બધી બાબતોના કોઈ જવાબ નથી. આ સિવાય ઘણા બધા રાજકીય પક્ષોએ તો તો પોતાના ખર્ચાનો ખુલાસો જ કર્યો નથી.
આટલી મોટી રકમથી સ્પષ્ટ છે કે ભારતમાં હવે ચૂંટણી લોકતાંત્રિક ઓછી રહી છે અને મોટું નાણાકીય યુદ્ધ વધારે બની ગઈ છે. તેના માટે રુપિયા પાણીની જેમ વહાવડાવવામાં આવે છે.