વડોદરાઃ સોશ્યલ મીડિયા , ઓનલાઈન નાણાકીય વ્યવહારોના વધેલા ચલણના કારણે લોકોને જાત-જાતની રીતે ઠગનારા સાયબર ક્રિમિનલ્સનો પણ રાફડો ફાટયો છે.
આવા એક કિસ્સામાં અન્ય રાજ્યમાંથી વડોદરા આવીને રહેતી અને એક કંપનીમાં નોકરી કરતી યુવતીએ લોન માટે ગૂગલ પર સર્ચ કર્યુ હતું.તેને ફેસબૂક પર ફિનો પેમેન્ટસ બેન્કના નામની જાહેરાત દેખાઈ હતી.તેને તેમાં રસ પડયો હતો.તેણે લોન માટે એપ્લાય કરતા જ ગણતરીની મિનિટોમાં લોન મંજૂર થઈ છે અને બેન્ક એકાઉન્ટમાં થોડી વારમાં પૈસા જમા થઈ જશે તેવો મેસેજ પણ આવ્યો હતો.
વડોદરાના સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળી કહે છે કે, આ યુવતીને વોટસએપ પર બેન્કના એસોસિએયેટસના નામથી કોઈએ મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે, તમારુ અગાઉનું ટ્રાન્ઝકેશન ફેલ ગયું છે.મેસેજ કરનારે લિન્ક મોકલીને ફરી રજિસ્ટર કરવા માટે કહ્યું હતું.આ લિન્ક પર યુવતીએ ક્લિક કરતા જ ટ્રાન્ઝેક્શન ચાર્જના નામે ૨૬૩૦૦ રુપિયાની માગણી કરતો બીજો મેસેજ આવ્યો હતો.આ પૈસા ચૂકવી દીધા બાદ લોનની રકમ તો મળી નહોતી અને તેના બેન્ક ખાતામાંથી પણ પૈસા કપાઈ ગયા હતા.
તેમના જણાવ્યા અનુસાર આ યુવતીએ એક જ મહિનામાં ફરી લોન માટે સર્ચ કર્યું હતું અને તે વખતે ગ્લોબલિન્ક ફાઈનાન્સ કન્સલટન્ટની નામની કંપનીમાં માત્ર એપ્લિકેશન જ કરી હતી. તેને ઈસીએસ ટ્રાન્ઝેક્શનના મેસેજ અને ઈ- મેઈલ આવવા માંડયા હતા અને તેના ખાતામાંથી ચાર વખત મળીને ૩૦૦૦૦ રુપિયા કપાઈ ગયા હતા.આ યુવતીએ મારો સંપર્ક કર્યો હતો અને મેં તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે, સાઈબર ક્રાઈમ કરનારા ભેજાબાજો નકલી જાહેરાતો અને વેબસાઈટસ બનાવીને લોકોને ઠગી રહ્યા છે.
લોકો જાળમાં ફસાય તે માટે ઓછા વ્યાજની અને તરત લોન મળશે તેવી ઓફર કરાય છે
સાયબર એક્સપર્ટનું કહેવું છે કે,
–સાયબર ક્રાઈમ કરનારા ભેજાબાજો મોટા બેન્કોના નામ અને લોકોનો ઉપયોગ કરીને વેબસાઈટ અને એપ બનાવે છે.જેથી લોકો વિશ્વાસ કરી લે.
–લોકો જાળમાં ફસાય તે માટે ઓછા વ્યાજે અને તરત જ લોનની ઓફર કરે છે.
–તેઓ જે લિન્ક મોકલે છે તેના પર ક્લિક કરવાથી ફોનમાં વાયરસ આવી શકે છે અથવા તો માહિતી ચોરાઈ શકે છે.પ્રોસેસિંગ ફીના નામે તેઓ પૈસા માગે છે અને પછી ગાયબ થઈ જાય છે.
–બેન્કની સાચી વેબસાઈટ છે કે નહીં તેની ચકાણી જરુરી
–અજાણ્યા નંબર પરથી આવતા લોન માટેના કોલ કે મેસેજની ઉપેક્ષા કરવી જોઈએ.લોન મંજૂર થાય તે પહેલા કોઈ પ્રોસેસિંગ કે ટ્રાન્ઝેક્શન ચાર્જના પૈસા માગે તો સમજવું કે ગરબડ છે.
–શક્ય હોય તો સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન ૧૯૩૦ પર કે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ.