અમદાવાદ : ભારતીય ઘરોમાં કપડાં અને જૂતા પરનો ખર્ચ ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી ગયો છે. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ૨૦૨૩-૨૪માં આ ખર્ચ રોગચાળા પહેલા કરતા ઓછો હતો.
આ ખર્ચમાં ઘટાડો થવાનું આ સતત બીજું વર્ષ હતું. ૨૦૨૨-૨૩ની શરૂઆતમાં, તેમાં ૧.૪ ટકાનો ઘટાડો થયો હતો. આ પછી, સતત બીજા વર્ષે ઘટાડો થયો હતો. અર્થશાસ્ત્રીઓ કહે છે કે વધતી મોંઘવારી અને પગારમાં કોઈ વધારો ન થવાને કારણે, ગ્ર્રાહકોએ બિન-આવશ્યક ખર્ચ ઘટાડતા આ ઘટાડો જોવાયો છે.
૨૦૨૩-૨૪માં કપડાં અને જૂતા પર ૪.૫૩ લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જે ૨૦૨૨-૨૩માં ૪.૮૭ લાખ કરોડ રૂપિયા કરતા લગભગ સાત ટકા ઓછા હતા. મહામારી પહેલા, ૨૦૧૯-૨૦ માં ૪.૫૩ લાખ કરોડ રૂપિયાના કપડાં અને જૂતા વેચાયા હતા. કોવિડ મહામારીને કારણે આર્થિક પ્રવૃત્તિઓમાં ભારે વિક્ષેપને કારણે, ૨૦૨૦-૨૧ માં કપડાં અને જૂતા પરનો ખર્ચ ૧૫ ટકા ઘટયો હતો.
ઇન્ડિયા રેટિંગે જણાવ્યું હતું કે, ૨૦૨૨-૨૩માં કપડાં અને જૂતામાં લગભગ ૯ ટકા ફુગાવો જોવા મળ્યો હતો અને આગામી નાણાકીય વર્ષમાં તેમાં ૭.૨ ટકા ફુગાવો જોવા મળ્યો હતો. એવું કહી શકાય કે લોકોએ જીવનશૈલી સંબંધિત ખર્ચને બદલે ખોરાક અને આરોગ્ય જેવા આવશ્યક ખર્ચને પ્રાધાન્ય આપ્યું હતું.
જૂતાની ખરીદી પરનો ખર્ચ ૨૦૨૨-૨૩ માં ૧.૦૧ લાખ કરોડ રૂપિયાથી લગભગ ૨ ટકા ઘટીને ૨૦૨૩-૨૪ માં ૯૯,૫૦૦ કરોડ રૂપિયા થયો હતો. પરંતુ આ સમયગાળા દરમિયાન કપડાં પરના ખર્ચમાં ૮.૫ ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ ૨૦૨૨-૨૩માં કપડાં પર ખર્ચ ૩.૮૬ લાખ કરોડ રૂપિયા હતો અને આગામી નાણાકીય વર્ષમાં તે ઘટીને ૩.૫૩ લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો.
આ સમયગાળા દરમિયાન, ઊંચા ફુગાવાની સાથે, ગ્રામીણ માંગ પણ ઓછી રહી હતી કારણ કે કોવિડ મહામારીને કારણે લોકડાઉનથી લોકોની કમાણી પર ભારે અસર પડી હતી.