મુંબઈ : ચોમાસું સમયથી વહેલું આવી જવાના પોઝિટીવ પરિબળ અને ભારત અને અમેરિકા વચ્ચે જૂન સુધીમાં વચગાળાની ટેરિફ-વેપાર સંધિ થવાના અહેવાલો છતાં વિશ્વને રોજેરોજ અચંબા મુકી દેતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રશીયા પર નવા આર્થિક પ્રતિબંધો લાદવાના નિવેદન અને અણધાર્યા આર્થિક પગલાંને લઈ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતાને કારણે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે સતત બીજા દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડો સાવચેત રહ્યા હતા. યુરોપના બજારોમાં ઢીલાશ અને ઘર આંગણે એફ એન્ડ ઓમાં ગુરૂવારે એક્સપાયરી હોવા સાથે સાવચેતી જોવાઈ હતી. ફંડોએ આજે એફએમસીજી, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, હેલ્થકેર શેરોમાં વેચવાલી કરી હતી. અલબત કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી જળવાઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ પણ વધુ મજબૂત થયાની નેગેટીવ અસર જોવાઈ હતી. સેન્સેક્સ ૨૩૯.૩૧ પોઈન્ટ ઘટીને ૮૧૩૧૨.૩૨ અને નિફટી ૫૦ સ્પોટ ૭૩.૭૫ પોઈન્ટ ઘટીને ૨૪૭૫૨.૪૫ બંધ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં ફંડો વેચવાલ : આઈટીસી, ટેસ્ટીબાઈટ, નેસ્લે ઈન્ડિયા, જીલેટ ઈન્ડિયા ઘટયા
ચોમાસું વહેલું અને સામાન્યથી સારૂ રહેવાના અહેવાલો છતાં એફએમસીજી શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. આઈટીસી લિમિટેડ રૂ.૧૩.૮૦ તૂટીને રૂ.૪૨૦.૧૦, હોનાસા રૂ.૭.૭૦ ઘટીને રૂ.૩૧૦, ઈમામી રૂ.૧૧.૦૫ ઘટીને રૂ.૫૭૮.૫૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૪૩.૭૫ ઘટીને રૂ.૨૪૧૮.૪૫, બજાજ કન્ઝયુમર રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૭૭.૪૦, ટાટા કન્ઝયુમર રૂ.૧૭.૨૫ ઘટીને રૂ.૧૧૨૦.૨૫, જીલેટ ઈન્ડિયા રૂ.૧૦૬.૬૫ ઘટીને રૂ.૯૩૦૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૬.૫૦ ઘટીને રૂ.૫૫૮૬ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૭૫.૯૬ પોઈન્ટ ઘટીને ૨૦૪૧૧.૮૯ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં સેલિંગ પ્રેશર વધ્યું : બોશ રૂ.૯૩૩ તૂટી રૂ.૩૧,૫૮૦ : મહિન્દ્રા, બજાજ ઓટો, આઈશર ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની નફારૂપી વેચવાલી નીકળી હતી. બોશ રૂ.૯૩૩.૫૫ તૂટીને રૂ.૩૧,૫૮૦.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૨.૮૦ ઘટીને રૂ.૨૯૯૭.૦૫, બજાજ ઓટો રૂ.૧૧૩.૩૦ ઘટીને રૂ.૮૮૪૮.૩૫, આઈશર મોટર્સ રૂ.૬૩.૯૦ ઘટીને રૂ.૫૩૩૦.૯૫, ઉનો મિન્ડા રૂ.૧૧.૨૦ ઘટીને રૂ.૯૯૯, એમઆરએફ રૂ.૧૪૨૭.૬૫ તૂટીને રૂ.૧,૪૨,૫૬૩.૮૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૮.૩૦ ઘટીને રૂ.૩૦૧૮.૮૦, મારૂતી સુઝુકી રૂ.૧૦૮.૦૫ ઘટીને રૂ.૧૨,૩૧૦ રહ્યા હતા.બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૫૩.૪૭ પોઈન્ટ ઘટીને ૫૨૫૮૩.૨૫ બંધ રહ્યો હતો.
ટેરિફ વોર વકરવાના એંધાણે ફરી મેટલ-માઈનીંગ શેરોમાં બ્રેક : એનએમડીસી, હિન્દાલ્કો ઘટયા
વૈૈશ્વિક મોરચે અમેરિકા વિરૂધ્ધ વિશ્વની ટેરિફ લડાઈમાં ચાઈના અને યુરોપીય યુનિયન વચ્ચે વેપાર વાટાઘાટ અને ચાઈના તેના બિઝનેસ વ્યુહ થકી અમેરિકાને હંફાવવા પ્રયાસ કરી રહ્યું હોઈ ટેરિફ યુદ્વ વકરવાની શકયતાએ મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી રહી હતી. એનએમડીસી રૂ.૧.૯૧ ઘટીને રૂ.૭૦.૮૫, હિન્દાલ્કો રૂ.૯.૨૫ ઘટીને રૂ.૬૫૦.૨૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૧૦૦૦.૧૫, કોલ ઈન્ડિયા રૂ.૧.૯૦ ઘટીને રૂ.૩૯૮.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૧૬.૨૬ પોઈન્ટ ઘટીને ૩૧૦૧૧.૨૭ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નબળી : ૨૦૦૬ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૫૬ અને ઘટનારની સંખ્યા ૨૦૦૬ રહી હતી.
હેલ્થકેર શેરોમાં ફંડો વેચવાલ છતાં પસંદગીની ખરીદી : ગ્લેક્સો ફાર્મામાં સતત તેજીએ રૂ.૨૩૧ વધી રૂ.૩૩૫૦
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે ઘણા શેરોમાં વેચવાલી રહ્યા છતાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો હોઈ પસંદગીના શેરોમાં ખરીદી રહી હતી. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૬૬.૦૫ પોઈન્ટ ઘટીને ૪૨૫૦૦.૧૦ બંધ રહ્યો હતો. ગ્લેક્સો ફાર્મા સતત ફંડોની તેજીએ રૂ.૨૩૧.૨૫ વધીને રૂ.૩૩૫૦, પ્રોકટર એન્ડ ગેમ્બલ હાઈજીન રૂ.૨૩૫.૩૦ વધીને રૂ.૫૭૫૪.૨૦, ઈપ્કા લેબ રૂ.૩૨.૭૦ વધીને રૂ.૧૪૯૫.૭૦ રહ્યા હતા. ટારસન્સ રૂ.૩૪.૫૫ તૂટીને રૂ.૩૯૬.૬૫, કેએમસી રૂ.૩.૦૫ ઘટીને રૂ.૬૮.૩૩, ઓરોબિન્દો ફાર્મા રૂ.૪૩ ઘટીને રૂ.૧૧૪૭.૯૫, થેમીસ મેડી રૂ.૪.૬૦ ઘટીને રૂ.૧૩૯, નોવાર્ટિસ રૂ.૨૭.૯૦ ઘટીને રૂ.૧૦૫૩.૬૫, મોરપેન લેબ રૂ.૧.૨૫ ઘટીને રૂ.૬૫.૩૭ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની સતત પસંદગીની તેજી : પાવર ઈન્ડિયા રૂ.૧૦૩૬ ઉછળી રૂ.૧૮,૩૬૪
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે પસંદગીની સતત ખરીદી રહી હતી. પાવર ઈન્ડિયા રૂ.૧૦૩૫.૮૫ ઉછળીને રૂ.૧૮,૩૬૩.૬૫, ભેલ રૂ.૬.૩૦ વધીને રૂ.૨૬૬.૬૦, સુઝલોન ૯૨ પૈસા વધીને રૂ.૬૬.૩૩, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૫.૧૦ વધીને રૂ.૩૯૦.૪૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૬ વધીને રૂ.૫૦૪.૭૫, ગ્રાઇન્ડવેલ રૂ.૧૪.૨૫ વધીને રૂ.૧૮૦૦.૨૦, આઈનોક્સ વિન્ડ રૂ.૧.૪૦ વધીને રૂ.૧૯૩.૯૦, કલ્પતરૂ પાવર રૂ.૭.૬૫ વધીને રૂ.૧૧૨૩.૧૫ રહ્યા હતા.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન નજીવું વધીને રૂ.૪૪૩.૭૭ લાખ કરોડ પહોંચ્યું
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટીમાં સતત નરમાઈ અને સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પ્રોફિટ બુકિંગ છતાં પસંદગીના શેરોમાં આકર્ષણે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧૭ હજાર કરોડ વધીને રૂ.૪૪૩.૭૭ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની રૂ.૪૬૬૩ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની કેશમાં રૂ.૭૯૧૨ કરોડની ચોખ્ખી ખરીદી
ખરાબ બજારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૪૬૬૨.૯૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૬,૨૭૮.૫૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૬૧૫.૫૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૭૯૧૧.૯૯ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૬૪૩.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૭૩૧.૯૮કરોડની વેચવાલી કરી હતી.