મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વૈશ્વિક સોનાના ભાવ ફરી વધી ઔંશના ૩૩૦૦ ડોલર ઉપર ગયાના સમાચાર હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણાના ઝવેરી બજારોમાં આજે નવી વેચવાલી અટકી હતી.
જોકે માગ પણ ધીમી હતી. અણદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધી ૯૯૫ના રૂ.૯૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૯૮ હજાર બોલાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૨૯૪થી ૩૨૯૫ વાળા વધી ઉંચામાં ભાવ ૩૩૨૫ થઈ ૩૩૦૮થી ૩૩૦૯ ડોલર રહ્યાના સમાચાર હતા.
ક્રૂડતેલ વધતાં વૈશ્વિક સોનામાં ઘટયા મથાળે ફંડોની લેવાલી દેખાઈ હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૨.૮૯થી ૩૨.૯૦ વાળા વધી ૩૩.૪૩ થઈ ૩૩.૧૩થી ૩૩.૧૪ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગની મિનિટસ પર તથા અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના ડેટા પર બજારની નજર હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા.
અમેરિકાએ વેનેઝુએલાની મોટી ઓઈલ કંપની પર પ્રતિબંધો લાદતા તથા કેનેડામાં વાઈલ્ડ ફાયરના પગલે ત્યાંથી ઓઈલ સ પ્લાય ઘટવાની શક્યતા વચ્ચે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ વધી ૬૫ ઉપર થઈ ૬૫.૧૧ થઈ ૬૫.૦૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૬૧.૯૭ થઈ ૬૧.૯૩ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૧૦૮૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ જો કે ઘટી ૯૬૯થી ૯૭૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૭૬ ટકા ઘટયા હતા. દરમિયાન મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૩૧૭ તથા ૯૯૯ના રૂ.૯૫૭૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૯૭૪૪૬ રહ્યા હતા.