– નડિયાદ તાલુકામાં અકસ્માતના બે બનાવ
– મહીસા ગામમાં રિક્ષા અથડાઈ પલટી જતા વસોના બામરોલીના પદયાત્રી સહિત 4 લોકો ઈજાગ્રસ્ત
નડિયાદ : નડિયાદ તાલુકાના પીપલગ બુલેટ ટ્રેનની કોલોનીમાં સુઈ રહેલા કર્મચારી ઉપર લોડર ફરી વળતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે મહીસા ગેટ આગળ રિક્ષા પલટી જતા પદયાત્રી સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ તાલુકાના પીપલગ સીમમાં બુલેટ ટ્રેનના કર્મચારીઓની એલ એન્ડ ટી કોલોમાં આંબાના ઝાડ નીચે વિજય બહાદુરસિંહ ચૌહાણ તેમજ મનીષ ગુપ્તેશ્વર યાદવ સુઈ રહ્યા હતા. દરમિયાન લોડર તેમની બાજુ આવતા બૂમાબૂમ કરી વિજય ચૌહાણ ઉઠીને ભાગ્યો હતો. છતાં ચાલકે લોડર ઉભું ના રાખતા મનીષ ગુપ્તેશ્વરી યાદવ (ઉં.વ.૪૧) ઉપર ફરી વળ્યું હતું. ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે વિજય બહાદુરસિંહ ચૌહાણની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ધર્મેન્દ્ર પીતાંબર વર્મા લોડર ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. બીજા બનાવમાં વસો તાલુકાના બામરોલી શિવજીપુરામાં રહેતા પ્રવીણભાઈ ફુલાભાઈ સોલંકીને પુનમ ભરવાની બાધા હોવાથી પગપાળા ફાગવેલ ભાથીજી મંદિર જતા હતા. તેઓ તા.૧૦મીની સાંજે મહીસા ગામના ગેટ આગળ રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પૂરઝડપે આવેલી રીક્ષા રાહદારી સાથે અથડાઈ પલટી ગઈ હતી. જેથી પ્રવીણભાઈ સોલંકી તેમજ રિક્ષામાં બેઠેલા ઉષાબેન રણછોડભાઈ પરમાર (રહે. ઉંદરા), મેહુલભાઈ બુધાભાઈ ચુનારા (રહે. માંગરોલી) અને રેહાનાબાનુ સમીર મિયા મિર્ઝા (રહે.અનારા)ને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે પ્રવીણભાઈ ફુલાભાઈ સોલંકીની ફરિયાદના આધારે મહુધા પોલીસે રીક્ષા ચાલક મહેશભાઈ કાંતિભાઈ ચુનારા (રહે. રઢુ) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.