![]()
મુંબઈ : માર્ચની સરખામણીએ એપ્રિલમાં વૈશ્વિક સ્તરે ભૌગોલિકરાજકીય તાણ હળવી થયા બાદ ભારતીય ઈક્વિટીસમાં જોવા મળેલા સુધારા છતાં મ્યુચ્યુઅલ ફન્ડોએ હાથમાં રોકડનું ઊંચુ પ્રમાણ જાળવી રાખવાનો વ્યૂહ અપનાવ્યો હતો.
માર્ચમાં રૂપિયા ૧.૮૬ લાખ કરોડની સરખામણીએ એપ્રિલમાં ફન્ડ હાઉસો પાસે સંયુકત રીતે કેશ ઓન હેન્ડની માત્રા વધી રૂપિયા ૧.૯૯ લાખ કરોડ રહી હતી. એપ્રિલના અંતે ફન્ડોની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂપિયા ૮૧.૯૨ લાખ કરોડ સાથે વિક્રમી સપાટીએ રહી હતી.
એપ્રિલમાં ભારતના બેન્ચમાર્ક ઈક્વિટી સેન્સેકસ સાત ટકા અને નિફટી ૭.૫૦ ટકા વધ્યો હતો. લાર્જ કેપની સરખામણીએ મિડકેપ તથા સ્મોલકેપમાં પણ જોરદાર રિકવરી રહી હતી.
રિકવરી આવી હોવા છતાં દેશમાં કાર્યરત મ્યુચ્યુઅલ ફન્ડોમાંથી ૫૫ ટકા જેટલા ફન્ડોએ કેશ હોલ્ડિંગમાં વધારો કર્યો હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. ૫૩ ફન્ડ હાઉસોમાંથી ૩૦ ફન્ડોએ કેશ ઓન હેન્ડમાં વધારો કર્યો હતો જ્યારે ૨૩ પોતાની પાસેની રોકડનું સ્તર ઘટાડયું હતું.
ઊંચા વેલ્યુએશને ફન્ડો આક્રમક ખરીદી કરવાને બદલે કેશ હાથમાં જાળવી રાખી મોટા કરેકશનના સમયે લેવાનો વ્યૂહ ધરાવી રહ્યા છે. માર્ચના અંતનું કેશ હોલ્ડિંગ ડીસેમ્બર, ૨૦૨૪ બાદ સૌથી નીચુ હતું, એમ પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.








